તાજેતરમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ (NHP-2019) દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે,
વર્ષ 2018માં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત 10601 કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. જ્યારે 20411 કેસ સાથે કર્ણાટક પ્રથમ અને 9884 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે છે. વર્ષ 2014માં ચિકનગુનિયાના માત્ર 574 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં 20 ગણા વધીને 10601 થયા હતા. જ્યારે કર્ણાટકમાં ગુજરાત કરતા બે ગણા (20411) વધુ કેસ નોંધાયા હતા. આ રીતે માત્ર ગુજરાત અને કર્ણાટકમાં દેશના કુલ 50 ટકા કરતા વધુ ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2018માં ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયા વધુ વકર્યો હતો. 2018માં ડેન્ગ્યુના 7579 કેસ નોંધાયા હતા જ્યારે ચિકનગુનિયાના 10601 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં આ વર્ષે ચિકનગુનિયાના 126 અને ડેન્ગ્યુના 1485 કેસ નોંધાયા
ગુજરાતમાં વર્ષ દર વર્ષ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વરસાદી વાતાવરણમાં વધુ વકરે છે. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદનુ વાતાવરણ યથાવત છે. ગુજરાતના છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો હતો. એ જ રીતે ડેન્ગ્યુના કેસમાં પણ 3 ગણો વધારો જોવા મળ્યો હતો. જ્યારે અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી 2 નવેમ્બર સુધીમાં ચિકનગુનિયાના 126 પોઝિટિવ કેસ અને ડેન્ગ્યુના 1485 કેસ નોંઘાયા હતા.
ચિકનગુનિયા થવાના કારણો
– ચિકનગુનિયા એ માદા એડિસ ઈજીપ્તિ નામના મચ્છર કરડવાથી થાય છે
– મચ્છર કરડ્યા પછી 4થી 8 દિવસ પછી દર્દીમાં ચિકનગુનિયાના લક્ષણ જોવા મળે છે
ચિકનગુનિયાના મુખ્ય લક્ષણો
– દર્દીને તાવ આવે છે, સાંઘામા અસહ્ય દુખાવાની સાથે સોજો પણ રહે છે
– સ્નાયુઓની સાથે આખા શરીરમાં અસહ્ય અસહ્ય પીડા થાય છે
– આ રોગ ઈલાજ પછી પણ સમયાંતરે(ત્રણ વર્ષ સુધી) ફરી અસર બતાવે છે
– ચિકનગુનિયા મુખ્યત્વે ચોમાસા અને ચોમાસા બાદના મહિનામાં જોવા મળે છે
ચિકનગુનિયાથી કેવી રીતે બચી શકાય?
– ચિકનગુનિયાના મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે
– મચ્છરનો ઉપદ્રવ કંટ્રોલ કરવો તે સૌથી જરૂરી
– ઘરમાં કે આસપાસ ક્યાંય પાણી ભરેલુ ના રહે તેની કાળજી રાખવી
– આખું શરીર ઢંકાય તેવા વસ્ત્ર પહેરવા
– શરીરના ખુલ્લા ભાગ પર દવાવાળી ક્રીમ લગાવવી
– સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ અચૂક કરવો