અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાના બીજા દિવસે તેઓ વડાપ્રધાન મોદી અને ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક યોજી છે. નવી દિલ્હીની આલિશાન, ભવ્ય અને જાજરમાન ઈમારતો પૈકી હૈદરાબાદ હાઉસની શાનોશૌકત અનોખી ગણાય છે. જગવિખ્યાત આર્કિટેક્ટ અને નવી દિલ્હીના સર્જક એડવિન લુટિયન્સે આ ઈમારત હૈદરાબાદના આખરી નિઝામ મીર ઉસ્માનઅલીના કહેવાથી તૈયાર કરી હતી. જોકે ઉસ્માનઅલી પોતે આ ઈમારતની ડિઝાઈનથી બેહદ નારાજ થયા હતા અને તેને ઘોડાના તબેલાની ઉપમા આપી હતી.
દિલ્હીમાં મહેલ બનાવવાનું નિઝામનું ખ્વાબ
બ્રિટિશ રાજમાં દિલ્હી જ રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર ગણાતું હતું ત્યારે વારંવાર વાઈસરોયની મુલાકાતે આવતાં નિઝામને દિલ્હીમાં જ પોતાનો એક મહેલ હોય એવી ઈચ્છા થઈ હતી. નવી દિલ્હીનું નિર્માણ કરી રહેલાં જગવિખ્યાત આર્કિટેક્ટ એડવિન લુટિયન્સને તેમણે આલિશાન મહેલની ડિઝાઈન તૈયાર કરવા સુચના આપી હતી. લુટિયન્સે નિઝામના દરજ્જા અને હૈદરાબાદની શાનને છાજે એવી ઈમારત ત્રણ વર્ષની મહેનત પછી ઈસ. 1928માં તૈયાર કરી હતી.
મહેલનું કહ્યું હતું, તમે તો ઘોડાનો તબેલો બનાવ્યો
આજથી 92 વર્ષ પહેલાં 2 લાખ પાઉન્ડ (આજના હિસાબે રૂ. 100 કરોડ)માં તૈયાર થયેલી આ ઈમારત 8.77 એકરમાં ફેલાયેલી છે. પતંગિયાનો આકાર ધરાવતી આ ઈમારતની ડિઝાઈન લુટિયન્સે ઈન્ડો- સાર્સેનિક શૈલી મુજબ તૈયાર કરી હતી, જેમાં હૈદરાબાદની પરંપરાગત વાસ્તુકળાનો પણ સમન્વય કરવામાં આવ્યો હતો. વર્તુળાકાર આઠ સ્તંભ પર ઊભેલો ભવ્ય ઘુમ્મટ, મકાનમાં પ્રવેશવાના સર્પાકાર સીડીઓ ધરાવતા 8 દરવાજા, 33 વિશાળ ઓરડાઓ, 12 ભવ્ય દિવાનખંડ અને અલગ અલગ દિશાએ 6 ધાબા ધરાવતી આ ઈમારત તેના માલિક નિઝામને જોકે બિલકુલ ગમી ન હતી. મકાનના ઉદ્ઘાટનના 8 વર્ષ પછી દિલ્હી આવેલા નિઝામે હૈદરાબાદ હાઉસ જોઈને ભારે અણગમો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, મેં તો મહેલ બનાવવાનું કહ્યું હતું, પણ તમે ઘોડાનો તબેલો બનાવી નાંખ્યો!
1956થી ભારત સરકારના કબજામાં
આઝાદી પછી દેશી રજવાડાઓના વિલિનીકરણના પગલે નિઝામના હૈદરાબાદ સ્ટેટની કેટલીક સંપતિ ભારત સરકારે હસ્તગત કરી હતી, જે પૈકી હૈદરાબાદ હાઉસની માલિકી તત્કાલીન આંધ્રપ્રદેશ રાજ્યને મળી હતી. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ પાસેથી આ ઈમારત ભાડાપટ્ટે મેળવી હતી. 1990માં કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ ભવન નજીક આશરે 7 એકર જમીન આપીને બદલામાં હૈદરાબાદ હાઉસની કાયમી માલિકી મેળવી લીધી હતી. ત્યારથી આ ઈમારત કેન્દ્ર સરકારને આધિન છે.
હાઈલેવલ ડિપ્લોમસી માટે આદર્શ સ્થળ
હાલ વિદેશ મંત્રાલયને સોંપાયેલ આ ઈમારત વિદેશી મહેમાનો સાથે વાર્તાલાપ માટેના સ્થળ તરીકે વિખ્યાત છે. અહીંની નયનરમ્ય લોન, લાંબી અને ભવ્ય પરસાળ, જાજરમાન ઈન્ટિરિયર્સથી સજાવાયેલા દિવાનખંડો અનેક વિદેશી મહેમાનો સાથેની ડિપ્લોમેટિક મીટિંગ્સના સાક્ષી રહી ચૂક્યા છે. હાલ વડાપ્રધાન મોદી અને અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં મળવાના છે. એ પૂર્વે બરાક ઓબામાની બંને ભારતયાત્રા વખતે અહીં જ તેમણે મનમોહનસિંહ અને મોદી સાથે બેઠક કરી હતી. એ ઉપરાંત જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોં સહિતના મહાનુભાવો હૈદરાબાદ હાઉસમાં આવી ચુક્યા છે.

