હોંગકોંગમાં ચીન સામે રોષ ભભૂક્યો, લાખો લોકો રસ્તા પર ઉતરતા શહેર થંભી ગયું

દેશ-વિદેશ

હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી. પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ હોંગકોંગમાં રેલી કાઢી હતી અને સરકાર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની રેલી સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી હતી. એટલી જ સંખ્યામાં લોકો આ વખતે પણ રસ્તા પર ઉતર્યા હતા અને લોકશાહી ઢબે સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અગાઉની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામા આવી હતી.

જોકે કોઇ મોટી હિંસાની ઘટના સામે નહોંતી આવી અને લોકોએ શાંતિથી જ પ્રદર્શન કર્યું હતું. હોંગકોંગ પ્રશાસન જે બિલ લાવ્યું છે તે ચીનમાં પ્રત્યાર્પણને લઇ છે. જેને પગલે સ્થાનિકો ભડક્યા છે અને બિલને ચીન તરફી વધુ અને હોંગકોંગના નાગરીકો વિરોધી માનવામાં આવે છે.બીજી તરફ લાખો લોકો રસ્તા પર ઉતરી ગયા હતા જેને પગલે હોંગકોંગ થંભી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિકથી લઇને અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી હતી.