પાકિસ્તાનમાં HIVના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાતાં હાહાકાર

દેશ-વિદેશ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આયોજિત સ્વાસ્થ્ય તપાસ શિબિરમાં નવા ૩૧ લોકો એચઆઈવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યા મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ના આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞાો દ્વારા કરવામાં આવેલી તપાસથી આ જાણકારી મળી છે.

હકીકતે સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં એચઆઈવી કેસની વૃદ્ધિ નોંધાઈ રહી હતી જેથી ત્યાં સ્વાસ્થ્ય શિબિર યોજવામાં આવી હતી. ગત મે મહિનામાં લરકાનાના રતોડેરો જિલ્લામાં એચઆઈવીના ૨૧૫ કેસ નોંધાયા હતા જેમાં ૧૮૧ બાળકો પણ સામેલ હતા. એચઆઈવી ફેલાવાનું મુખ્ય કારણ અસુરક્ષિત લોહી, ઈન્જેક્શન અને અસુરક્ષિત સંબંધો છે.પ્રભાવિત લોકોએ સિંધ સરકારને સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી મેડિકલ સ્ટોર પર પણ એચઆઈવીની દવાઓ આસાનીથી ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરી છે.

રતોડેરોના જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી શબ્બીર શેખના જણાવ્યા મુજબ તાજેતરમાં ૨,૫૦૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૩૧ એચઆઈવી પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે લોકો એચઆઈવી એઈડ્સથી સંક્રમિત છે તેમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિયમો અનુસાર ઉપચાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

ડબલ્યુએચઓ, યુએન-એઈડ્સ અને યુનિસેફ સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓનું એક પ્રતિનિધિ મંડળ કરાચીમાં પહેલેથી જ સિંધ સ્વાસ્થ્ય અધિકારીઓને જિલ્લામાં એચઆઈવીના ખતરનાક પ્રકોપની તપાસ કરવામાં મદદ કરવા ઉપસ્થિત છે.