પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઇમરાન ખાનની સરકારે મસ્જિદોને બંધ કરાવી દીધી છે પણ પાકિસ્તાનના કટ્ટરવાદીઓ સામે તેમના આ આદેશની કોઇ જ અસર નથી થઇ રહી અને મસ્જિદોને ખોલીને નમાઝ પઢવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના અનેક મૌલવીઓ, ઇમામે ફતવો જારી કરીને લોકોને મસ્જિદો ખોલવાનું કહેતા અનેક લોકો મસ્જિદ પર એકઠા થઇ ગયા હતા અને રમઝાનની નમાઝ પઢવાનું શરૂ કરી દીધુ હતું, ખુલ્લેઆમ આ મૌલવીઓએ દાદાગીરી કરીને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
હાલ પાકિસ્તાનમાં એવો માહોલ છે કે મૌલવીઓ પાકિસ્તાનના વડા પ્રધાન કરતા પણ ઉચા હોદા પર હોય તેમ નિર્ણયો લેવા લાગ્યા છે. જ્યારે શરૂઆતમાં પાકિસ્તાનમાં લોકડાઉન સહિતના પ્રતિબંધો લગાવવામાં આવ્યા ત્યારે આ મૌલવીઓએ તેનું પાલન કરવાની વાતો કરી હતી પણ બાદમાં ધીરે ધીરે તેનો ભંગ થવા લાગ્યો.
રમઝાન મહીનાને ધ્યાનમાં રાખીને અનેક મૌલવીઓ અને મૌલાનાઓએ બેઠક યોજી હતી અને જેમાં એક પત્ર પર આ કટ્ટરવાદીઓએ સહી કરીને સરકારને મોકલ્યો હતો અને રમઝાનને ધ્યાનમાં રાખી મસ્જિદોને ખોલી નાખવા કહ્યું હતું. જોકે સરકારે તેના પર ધ્યાન ન આપતા જાતે જ મૌલવીઓ મસ્જિદો ખોલવા લાગ્યા છે. શુક્રવારે હજારો લોકો મસ્જિદોમાં એકઠા થયા હતા અને નમાઝ પઢી હતી જેને પગલે કોરોના વાઇરસ ફેલાવવાનો ખતરો પાકિસ્તાનમાં વધતો જાય છે.
આ પહેલા ઇમરાન ખાનની સરકારે કેટલીક શરતો મુકી હતી અને કહ્યું હતું કે તે મસ્જિદો ખોલવા માટે તૈયાર છે પણ તે માટે ૨૦ નિયમોનું પાલન કરવું પડશે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનનો બૌદ્ધીક વર્ગ સવાલો કરી રહ્યો છે કે પાકિસ્તાનમાં કોણ સર્વોપરી છે? મૌલવીઓ કે વડા પ્રધાન અથવા સરકાર? મસ્જિદો ખોલવા અને નમાઝ પઢવાની અનુમતી આપવી એ લોકશાહી વિરુદ્ધનું પગલુ છે કેમ કે તેનાથી મહામારી વધશે.