દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના મામલે છેલ્લા ત્રણ દિવસથી હોબાળો થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના કારણે ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે. GTB હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ અંગેની જાણકારી મળી છે.
મંગળવારે 13 લોકો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી ચાર મૃતદેહોને ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા વધીને 18 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત આશરે 250થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 56થી વધારે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરવાના મામલામાં ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર અને ચાંદબાગમાં રવિવારથી સતત હિંસા થઈ રહી છે. જેના કારણે પ્રશાસને આ ચાર વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. ચારેય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડેપગે છે.
તેમજ ઉત્તર-પૂર્વી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પ્રશાસને હિંસા આચરનારા અસામાજિક તત્વોને દેખતા જ ઠારકરવાનો આદેશ આપી દીધો છે. પ્રશાસને આ આદેશ એવા સમયમાં જાહેર કર્યો છે જ્યારે પહેલેથી જ ત્યાં કલમ 144 લાગુ કરેલી હતી અને કરફ્યૂ લગાવ્યા બાદ પણ તોફાની તત્વો હિંસા બંધ કરવાનું નામ નહતા લઈ રહ્યા. તોફાની ટોળકીઓને હિંસા કરતા રોકવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ શક્ય તેવા તમામ પ્રયત્નો કર્યા હતા. બુધવારે સ્થિતિ આંશિક થાળે પડતી જણાઈ છે જાફરાબાદ મેટ્રો સ્ટેશન બહારથી વિરોધીઓને હટાવી લેવાયા હોવાનું દિલ્હીના વિશેષ કમિશનર સતિશ ગોલચાએ જણાવ્યું હતું.

