જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિઝબેહારા નગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે વહેલી સવારે અથડામણ થઇ હતી જેમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
લશ્કરી અધિકારીએ જણાવ્યું કે સૈન્યની ત્રણ આરઆર અને એસઓજીની સંયુક્ત ટુકડીએ ગુરુવારે વહેલી સવારે જિલ્લાના બંગંદરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમને આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ મળ્યા હતા. સુરક્ષાદળોની સંયુક્ત ટુકડીએ શંકાસ્પદ સ્થળ શોધવાની શરૂઆત કરી ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.
વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા હતા. આતંકીઓની લાશ પાસેથી વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે. આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે બંને હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે.
સુરક્ષાબળોનું ઓપરેશન ઓલઆઉટ જારી
અગાઉ 20મી એપ્રિલે આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઇ હતી. સોપોરના વોટરગામમાં એક આતંકીને ઠાર કરાયો હતો. તો 13મી એપ્રિલે શોપિયામાં લશ્કરે બે આતંકીને ઠાર કર્યા હતા. ગહંડ ક્ષેત્રમાં અથડામણ પછી લશ્કરને સફળતા મળી હતી. છઠ્ઠી એપ્રિલે પણ શોપિયાના ઇમામ સાહિબ વિસ્તારમાં લશ્કરે બે આતંકીને ઠાર કર્યા હતા. 28મી માર્ચે પણ સુરક્ષાદળોએ શોપિયા અને હંદવાડામાં પાંચ આતંકવાદીઓને માર્યા હતા.

