પાકિસ્તાનના ગ્વાદરમાં 5 સ્ટાર હોટલમાં આતંકી હુમલો, એકનું મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદી હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યે અને પચાસ મિનિટે ગોળીબાદ શરૂ થયો છે. મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં હોટલના મહેમાનોને બચાવા જતા સમયે થયેલા ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે.

ગ્વાદરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ પર્લ કોન્ટિનેન્ટલ ખાતે ગોળીબાર શરૂ થયો હતો. પોલીસે પાકિસ્તાની મીડિયાને આપેલા નિવેદન મુજબ હોટલમાં કોઈ પણ વિદેશી પ્રવાસી નથી. હાલમાં હોટલ ખાતે એન્ટિ ટેરરિઝમ ફોર્સ સ્થળ પર છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનના ફ્રન્ટિયર કોર્પ્સે હોટલને કોર્ડન કરી લીધી છે અને કોઈ પણ વ્યક્તિને હોટલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી.

ગ્વાદર શહેરના મચ્છી બંદર માર્ગે શહેરના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં પર્લ કોન્ટિનેન્ટલ હોટલ આવી છે. આ ફાઇવ સ્ટાર હોટલમાં મોટાભાગે વેપારીઓ અને સહેલાણી રોકાય છે. ઉલ્લેખનીય છે કે ગ્વાદરના આરમારા ખાતે ગત એક અઠવાડિયા પહેલાં જ એક હુમલો થયો હતો જેમાં 14 લોકના મોત નીપજ્યાં હતા. આ હુમલામાં એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના 11 લોકોના મોત થયા હતા.

આ બંદર ખાતે ચીન દ્વારા સ્થાનિક સરકાર સાથે મળી અને બંદર પર વેપારી પ્રવૃતિઓ શરૂ કરવા માટે તેનો વિકાસ કરી રહી છે. ચીને આશરે 50 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ગ્વાબદર પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં આવેલું છે, જ્યાં ઘણા સમયથી અલગ બલૂચિસ્તાનની માંગ થઈ રહી છે.