RTIમાં ખુલાસો- મોદી અને મંત્રીઓના વિદેશ અને ઘરેલું પ્રવાસ પર 393 કરોડનો ખર્ચ કરાયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે છેલ્લા પાંચ વર્ષના વિદેશી અને ઘરેલુ યાત્રાઓ પર કુલ 393 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખુલાસો શનિવારે એક આરટીઆઇ હેઠળ થયો છે. મુંબઇમાં આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ વડાપ્રધાન ઓફિસમાં આરટીઆઇ અરજી કરી વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ દ્ધારા મે 2014થી અત્યાર સુધી કરવામાં આવેલા વિદેશી પ્રવાસ પર ખર્ચ અને ઘરેલુ યાત્રા ખર્ચની જાણકારી માંગી હતી. મોદી સરકારે ડિસેમ્બર 2018માં રાજ્યસભામાં વિદેશી યાત્રા પર ખર્ચ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતું કે, ચાર્ટર્ડ પ્લેન, પ્લેનના દેખરેખ, અને મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન હોટલાઇન સુવિધાઓ પર ખર્ચ થયો છે. એટલું જ નહી વડાપ્રધાન મોદી અને તેમની કેબિનેટના વિદેશ પ્રવાસ પર 263 કરોડ રૂપિયાનો ખર્ચ જ્યારે ઘરેલુ પ્રવાસમાં 48 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રાજ્યમંત્રીઓના વિદેશ પ્રવાસ પર 29 કરોડ રૂપિયા અને ઘરેલુ પ્રવાસ પર 53 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કેબિનેટ મામલાના પેમેન્ટ એન્ડ એકાઉન્ટ્સ ઓફિસના સિનિયર એકાઉન્ટન્સ ઓફિસર સતીશ ગોયલે સવાલોના જવાબમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2014-15થી 2018-19 સુધી વડાપ્રધાન અને તેમના મંત્રીઓના વિદેશી પ્રવાસ અને ઘરેલુ પ્રવાસ પર કુલ ખર્ચ 393.58 કરોડ રૂપિયા છે. ગોયલે કેબિનેટ મંત્રીઓ, વડાપ્રધાન અને રાજ્યમંત્રીઓનો ખર્ચ અલગ અલગ આપ્યો હતો. કેબિનેટ મંત્રીઓ અને વડાપ્રધાનના વિદેશી અને ઘરેલુ પ્રવાસમાં 311 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો જ્યારે રાજ્યમંત્રીઓએ 82 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.