નાણામંત્રી નીતિન પટેલ આજે 20-21નું બજેટ રજૂ કરશે, રાહતોની શક્યતા ઓછી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ ૨૬ ફેબ્રુ.ને બુધવારથી થશે. આ સત્ર ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરું થશે. સત્રમાં કુલ ૨૨ દિવસનું કામકાજ અને ૨૨ બેઠક યોજાશે. સત્રના બુધવારના પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. જે નાણાંમંત્રી તરીકે તેમનું ૮મું બજેટ હશે. ગુજરાતમાં સૌથી વધુ બજેટ નાણાંમંત્રી વજુભાઈ વાળાએ રજૂ કર્યાં હતાં. બજેટ અગાઉ પ્રશ્નોત્તરીના પ્રથમ એક કલાક બાદ વલસાડના પૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ, સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ કોળી પટેલ અને બાવળાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણના અવસાન અંગે શોકદર્શક ઠરાવો પસાર કરાશે. ગત બજેટમાં આવક જાવકના હિસાબોનો મેળ નહીં બેઠો હોવાથી આ વખતે રાજ્ય સરકાર રાહતોની જાહેરાત કરે તેવી શક્યતા પાતળી દેખાઈ રહી છે.

નાણાંમંત્રી દ્વારા રજૂ થનારા ૨૦૨૦-૨૧ના બજેટનું કુલ કદ આશરે ૨.૨૦ લાખ કરોડનું હોવાની સંભાવના છે. ગત ૨૦૧૯-૨૦ના બજેટનું કુદ કદ રૂ. ૨.૦૪ લાખ કરોડનું હતું, અર્થાત આ વખતના બજટેમાં આશરે ૧૬,૦૦૦ કરોડ એટલે કે બજેટના કદમાં આશરે ૮ ટકાનો વધારો થવાની શક્યતા છે. જોકે, રાજ્ય સરકારની આવક અને જાવક અંગેના છેલ્લા સંકેત પ્રમાણે તેના પર મંદીની વિપરીત અસર વર્તાય તેવી શક્યતા નકારી શકાતી નથી. અર્થાત રાજ્ય સરકારના બજેટમાં રજૂ કરાયેલા આવક-જાવકના અંદાજોમાં મોટું ગાબડું પડે તથા સરકારને તેના ગત અંદાજો સુધારવા પડે તો નવાઈ પામવા જેવું નહીં રહે.વિધાનસભાના આ વખતના બજેટ સત્રના બીજા દિવસે એટલે કે, ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે, જે માટે ત્રણ બેઠક ફાળવાઈ છે. રાજ્ય સરકારના નવા બજેટ ઉપર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચથી થશે. જેમાં વિરોધપક્ષના ધારાસભ્યો, રાજ્ય સરકારની નીતિ-રીતિ અને કામગીરીની સમીક્ષા કરીને તેના પર આકરી ટીકા કરી શકશે અર્થાત રાજ્ય સરકારની કામગીરીનો આક્રમક રીતે હિસાબ માંગશે. આ માટે કુલ ૪ દિવસ ફાળવાયા છે.

ત્યારબાદ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના બજેટ (માંગણીઓ) રજૂ થશે અને એવા દરકે વિભાગના બજેટ (માંગણીઓ) ઉપર પણ વિગતવાર ચર્ચા કરાશે તથા દિવસના અંતે આ ચર્ચા દરમિયાન વિપક્ષ દ્વારા કરાયેલી ટીકાઓનો જે તે વિભાગના મંત્રીઓ દ્વારા જવાબ અપાશે તથા અંતે તે વિભાગનું બજેટ બહુમતિથી મંજૂર કરાશે. આ કામગીરી માટે કુલ ૧૨ બેઠક ફાળવાઈ છે. સામાન્ય રીતે રાજ્ય સરકારના ૨૬ વિભાગો છે અને ચર્ચા માટે ૧૨ દિવસ ફાળવાયા છે એટલે કે, એક દિવસમાં ૨થી ૩ વિભાગોના બજેટ (માંગણીઓ) પર ચર્ચા થશે એટલે ધારાસભ્યો માટે તેવા વિભાગો પરની ચર્ચા માટેનો સમય સીમિત રહેશે.

પૂરક બજેટ રજૂ કરાશે

જ્યારે, ૨જી અને ૩જી માર્ચ, ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલા પૂરક માંગણી (બજેટ)ઓ પર ચર્ચા થશે. આ એવો પૂરક ખર્ચ (બજેટ)હોય છે કે, જે ગત બજેટમાં દર્શાવેલી રકમ કરતાં વધુ ખર્ચાઈ હોય છે. અંતે તેના ઉપર મતદાન હાથ ધરાશે.
નાણાંમંત્રીએ ગત બજેટમાં ૧,૫૪,૭૩૧ કરોડની મહેસૂલી અને ૩૧,૫૩૮ કરોડની મૂડીની આવકો મળીને કુલ ૧,૮૬,૨૭૦ કરોડની આવકો દર્શાવી હતી. જેમાં રાજ્ય સરકારના વેરા પેટે ૧,૨૫,૧૧૧ કરોડની અને બિન વેરા પેટે ૧૩,૯૭૯ કરોડની આવકોનો અંદાજ મૂક્યો હતો. એવી જ રીતે, તેમણે ૧,૫૧,૮૫૮ કરોડનો મહેસૂલી ખર્ચ તથા ૩૨,૮૦૭ કરોડનો મૂડીખર્ચ મળીને કુલ રૂ. ૧,૮૪,૬૬૫ કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો.

બજેટમાં કોને વધુ મહત્વ અપાશે ?

આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં મહાપાલિકા, નગરપાલિકા ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હોવાથી આ વખતના બજેટમાં તેની ઉપર ખાસ ફોક્સ કરાશે. આ ઉપરાંત બજેટમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, કૃષિ, ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ જેવા વિભાગોના બજેટમાં ધરખમ વધારો કરાય તેવી સંભાવના છે. એવી જ રીતે રાજ્યમાં આ વખતે સરકાર માટે મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જેવા વિશેષ પડકારો હોવાથી તે બાબતોને પણ ખાસ લક્ષમાં લઈને નવી યોજનાઓ જાહેર કરાશે એમ મનાય છે.

22 દિવસમાં 25 બેઠકમાં કામ થશે

બજેટ સત્ર ૨૨ દિવસ સુધી ચાલશે. જેમાં કુલ ૨૫ બેઠક મળશે એટલે ૩ દિવસ એવા હશે કે જ્યારે ગૃહની બેઠક ડબલ બેઠકમાં કામ કરશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ થશે. આ માટે કુલ ૩ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયા મુજબના કાયદાઓમાં સુધારા કરાશે. છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.