અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પૂર્વોત્તર દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકો મોતને ભેટ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસને અસામાજીક તત્વો અને હિંસા ફેલાવનારા લોકોને જોતા જ ઠાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ મંગળવારે મોડી રાત્રે હિંસા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

અજીત ડોભાલે પોતાની કારમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મંગળવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે સીલમપુર સ્થિત ઉત્તર-પૂર્વ દિલ્હીના ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસના કાર્યાલયે પહોંચ્યા હતા જ્યાં બેઠક કરીને તેમણે શહેરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આશરે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ડીસીપી ઉત્તર-પૂર્વ, સ્પેશિયલ પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

આ બેઠક બાદ ડોભાલ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે નિકળ્યા હતા. મોડી રાત્રે તેમની કાર સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહી હતી. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (ક્રાઈમ) સતીશ ગોલચાએ જણાવ્યું કે દેખાવકારોએ જાફરાબાદ મેટ્રો સ્ટેશન અને મૌજપુર ચોકને ખાલી કરી દીધા છે. તેમજ હવે પરિસ્થિતિ પણ કંટ્રોલમાં છે.

આ અગાઉ ગૃહ મંત્રી મિત શાહે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. છેલ્લા 24 કલાકમાં અમિત શાહની આ ત્રીજી બેઠક હતી. પ્રાપ્ય માહિતી અનુસાર શાહની બેઠક સાત વાગ્યે શરૂ થઈ હતી જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી.