ઉત્તર પ્રદેશના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરના અનેક સ્થળોએ સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ચાર જિલ્લાઓ લખનઉ, બાંદા, ઉન્નાવ, ફતેહપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ છે. થોડા દિવસ પહેલા રેપ પીડિતાની સાથે એક અકસ્માત થયો હતો. જેમાં પણ આ ધારાસભ્યનું નામ સામે આવ્યું છે. આ અકસ્માત સંદર્ભે જ સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
અકસ્માત કેસમાં કુલદિપ સેંગર અને અન્ય 15થી 20 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગત 30મી જુલાઇએ રેપ પીડિતા જે કારમાં જઇ રહી હતી તેને એક ટ્રકે ટક્કર મારી હતી. રાય બરેલીમાં આ ઘટના બની હતી. આ સપ્તાહે જ ભાજપે સેંગરને સસ્પેન્ડ કરી દીધો હતો.
બીજી તરફ રેપ પીડિતાને પુરતી સુરક્ષા ન આપવામાં આવી હોવાથી ઉત્તર પ્રદેશની સરકારની પણ ભારે ટીકા થઇ રહી છે. આ અકસ્માતમાં પીડિતાના બે સગાના મોત નિપજ્યા હતા જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘવાયા હતા. હાલ પીડિતાની સારવાર ચાલી રહી છે જ્યારે બીજી તરફ જે લોકો માર્યા ગયા છે તેનો આરોપ સેંગર અને અન્યો પર લગાવવામાં આવ્યો છે. સેંગરને હાલ સિતાપુર જેલમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે,
સીબીઆઇએ આ જેલમાં જઇને સેંગરની પૂછપરછ કરી હતી. જ્યારે બીજા જ દિવસે સેંગરના અનેક રહેણાંકી તેમજ અન્ય વિસ્તારોમાં સીબીઆઇએ દરોડા પાડયા હતા. જોકે અધિકારીઓએ કોઇ પણ પ્રકારની જાણકારી હાલ આપવાની ના પાડી હતી. સીબીઆઇએ પીડિતાના પરિવારજનો અને તેના વકીલ અને તેના પરિવારની પણ પૂછપરછ કરીને વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

