ગંભીરે દિલ્હીના બે સિનિયર ક્રિકેટરોની ઓફિશિયલી ટ્વિટર પર કાઢી ઝાટકણી

ખેલ-જગત

ભારતીય ટી-૨૦ ટીમ તરફથી વિન્ડિઝ સામેની મેચમાં શાનદાર દેખાવ કરનારા હરિયાણાના ફાસ્ટ બોલર નવદીપ સૈનીની સફળતાને બિરદાવતા તેના ભૂતપૂર્વ કેપ્ટન અને દિલ્હીના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે તેના બે સિનિયર ક્રિકેટરો અને ઓફિસિઅલ્સ – બિશન સિંઘ બેદી અને ચેતન ચૌહાણની ઝાટકણી કાઢી હતી. ગંભીરે કરેલી ટ્વીટમાં ઈશારો કર્યો હતો કે, બેદી અને ચેતન ચૌહાણે યુવા ફાસ્ટ બોલર સૈનીની કારકિર્દી ખતમ કરવાની કોશીશ કરી હતી.

અમેરિકામાં રમાયેલી વિન્ડિઝ અને ભારત વચ્ચેની મેચથી સૈનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ થયો હતો અને તેણે ૧૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. તેને બિરદાવતા ગંભીરે ટ્વીટર પર મુકેલા મેસેજનો સાર એ હતો કે, ભારત તરફથી આંતરરાષ્ટ્રીય મેચ રમવા બદલ નવદીપ સૈનીને ખુબ ખુબ અભિનંદન. તે બોલિંગ કર્યા પહેલા જ બિશન સિંઘ બેદી અને ચેતન ચૌહાણની વિકેટ ઝડપી લીધી હતી. જે ક્રિકેટર મેદાન પર ઉતરે તેની પહેલા તેની ક્રિકેટ કારકિર્દીની શ્રદ્ધાંજલી લખી નાંખનાર એ બંનેની બોલતી તો આજે તને ભારતની ટીમ તરફથી રમતો જોતાં જ બંધ થઈ ગઈ હશે. દિલ્હીના ક્રિકેટના સૂત્રો જણાવે છે કે, ઓફિસિઅલની નારાજગી છતાં ગંભીરના પ્રયાસો થકી સૈનીને દિલ્હીની ટીમમાં તક મળી હતી.

મેં સૈની અંગે નકારાત્મક કોમેન્ટ કરી નથી : બિશન સિંઘ બેદી
ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ કારકિર્દીની શાનદાર શરૃઆત કરી તે પછી ગંભીરે ટ્વિટર પર વિવાદિત કોમેન્ટ કરતાં બેદી અને ચેતન ચૌહાણને ટાર્ગેટ કર્યા હતા. જે અંગે જવાબ આપતાં બેદીએ કહ્યું કે, મેં ક્યારેય સૈની અંગે નકારાત્મક કોમેન્ટ કરી જ નથી. બેદીએ આ પછી ગંભીર તરફ કટાક્ષ કરતાં એમ પણ ઊમેર્યું કે, હું એમ પણ માનું છું કે, જો કોઈ સફળતા મેળવે તો તેનો શ્રેય તેને પોતાને જવો જોઈએ, નહિ કે અન્ય કોઈએ તેના માટે દાવેદારી નોંધાવવી જોઈએ. નોંધપાત્ર છે કે, વર્ષ ૨૦૧૩માં દિલ્હી તરફથી સૈની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો તેનાથી નારાજ બેદીએ તે સમયના પ્રમુખને પત્ર પણ પાઠવ્યો હતો.

પોતાની પ્રસિદ્ધિ માટે બીજાને ઝાંખા પાડવાની કોશીશ ન કરોગંભીરની ટ્વીટ અંગે પ્રતિભાવ આપતાં ચેતન શર્માએ લખ્યું કે, દિલ્હી ક્રિકેટ એસોસિએશનનો નિયમ હતો કે, બીજા રાજ્યોના ખેલાડીને દિલ્હીની ટીમમાં સામેલ કરતા પહેલા તેમને ૧ વર્ષનો કૂંલિગ પિરિયડ પસાર કરવો પડશે. તેની પ્રતિભા અને ક્ષમતા અંગે સવાલ નહતો, પણ આ નિયમ પણ જરુરી હતો. પોતાની પ્રસિદ્ધિ માટે બીજાને ઝાંખા પાડવાની કોશીશ ન કરો.