ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી અને સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓપનર પૃથ્વી શોનું ઈજાને લીધે રમવું અનિશ્ચિત હતું જો કે હવે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે.
શાસ્ત્રીએ જણાવ્યું કે શો એકદમ ફિટ છે અને તે બીજી ટેસ્ટમાં રમશે. પૃથ્વી શોને પગમાં ઈજા થઈ હોવાથી તેને રમાડવાને લઈને અસમંજસતા હતી. ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં પણ પૃથ્વી શો હાજર રહ્યો નહતો જેને લઈને ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો હતો.
શુક્રવારે શો નેટ્સમાં પરત ફર્યો હતો અને તેણે શાસ્ત્રીની દેખરેખમાં પરસેવો પાડ્યો હતો. આ ઉપરાંત કેપ્ટન કોહલીએ પણ શોને કેટલીક ટિપ્સ આપી હતી. કોચ શાસ્ત્રીએ જણાવ્યું કે શો રમવા માટે ફિટ છે અને તે ટીમમાંથી રમશે. પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શોનું ફોર્મ કંગાળ રહ્યું હતું અને તે બન્ને ઈનિંગમાં મળીને 50 રન પણ કરી શક્યો નહતો.

