ઉન્નાવ બળાત્કારકાંડની પીડિતા સાથે થયેલી દુર્ઘટના કે ષડયંત્ર મામલે દેશભરમાંથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. દેશના દિગ્ગજ નેતાઓ આ મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લઇને તેની ટીકા કરી રહ્યા છે. જેમાં હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ મોદી સરકારને ટાંચમાં લીધી છે.
પીડિતાને નડેલા રોડ અકસ્માત મામલે તપાસ કરવા માટે બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉચ્ચે સ્તરની તપાસ સમિતિની રચના કરવા અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના એક કાર્યક્રમને સંબોધતા મમતાએ જણાવ્યું કે, ઉન્નાવની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાને કડક કાર્યવાહી કરવી જોઇએ. તેની તપાસ માટે ઉચ્ચ સ્તરની સમિતિની રચના થવી જોઇએ. પીડિતાની સુરક્ષા મામલે જરુરી પગલા ન ઉઠાવવા માટે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા બેનરજીએ જણાવ્યું કે, વડાપ્રધાને દેશની સારસંભાળ કરવી જોઇએ.
તેમણે જણાવ્યું કે દેશમાં ટોળા દ્વારા રોજ હિંસાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. દેશમાં ફાસીવાદી શાસન ચાલી રહ્યું છે.

