મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ.દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આવતીકાલે(29 ઓગસ્ટ)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરશે. લોકાર્પણ બાદ 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે.
બેટરીમાં આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થશે
કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ, કુલ 50 ઈલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો છે. આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બોસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.
18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજી, એકવાર સ્વેપ કરવાથી 40 કિ.મી. મુસાફરી કરી શકાશે
આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.
શું છે બેટરી સ્વેપ ટેકનોલોજી અને કેવી રીતે કામ કરશે
ઈ-બસના ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ ચાર્જિંગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે. ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેકનોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેકટ્રિક બસની રોબોટ દ્વારા બેટરી બદલાશે. જ્યારે પણ કોઇ બસની બેટરી 20 ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે.

