ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડવાનાં કારણે 33 લોકોનાં મોત થઈ ગયા છે. વીજળી પડવાનાં કારણે કાનપુરમાં 7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 7, રાબરેલીમાં 2, ચિત્રકૂટમાં 1 અને જાલૌનમાં 4 લોકોનાં મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવે. ઘાયલોનાં ઇલાજ માટે યોગ્ય વ્યવસ્થા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
દેશમાં કોઈપણ કુદરતી હોનારતથી વધારે મોત વીજળી પડવાથી થાય છે
આ પહેલા પણ આકાશમાંથી વીજળી પડવાનાં કારણે લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ પહેલા 24 અને 25 જૂનનાં વીજળી પડવાથી 17 લોકોનાં મોત થયા હતા. દેશમાં કોઈપણ કુદરતી હોનારતથી વધારે મોત વીજળી પડવાથી થાય છે. 2010થી લઇને 2018 સુધી 22,027 લોકોનાં મોત વીજળી પડવાથી થયા છે. એટલે કે દર વર્ષે 2447 લોકોનો જીવ વીજળી પડવાથી જાય છે.
વીજળી પડવાથી થતા મોતમાં 1 હજારનો વધારો
ક્લાઇમેટ રીજિલિએન્ટ ઑબ્જર્વિંગ સીસ્ટમ પ્રમોશન કાઉન્સિલ (CROPC)નાં ચેરમેન કર્નલ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે 2018માં જ 3 હજારથી વધારે મોત વીજળી પડવાથી થયા છે. છેલ્લા 3 વર્ષમાં જ વીજળી પડવાથી થતા મોતમાં 1 હજારનો વધારો થયો છે. બિહારમાં 27 જૂનનાં અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી 30 લોકોનાં મોત થયા છે.
સૌથી વધારે ભાગલપુરમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે બેગૂસરાયમાં 4 લોકો આના સકંજામાં આવ્યા હતા. આ ઉપરાંત સહરસા, પૂર્ણિયા, અરરિયા, જમુઈ, દરભંગા, મધેપુરા, ખગડિયા, કટિહારા, મધુબની, પૂર્વ ચંપારણ, શિવહર, નવાદા અને ગયામાં પણ વીજળી પડવાનાં કારણે ઘણા લોકોનાં જીવ ગયા છે.