રાજ્યપાલે કહ્યું- પોલીસ નહીં ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી

મુખ્ય સમાચાર રાજકીય

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે એક વિવાદી નિવેદન કરી દીધું. મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. તેમના આ નિવેદનની માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ટીકા કરી છે.

એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે
કારગિલમાં ભાષણ આપતા રાજ્યપાલે કહ્યું કે ‘ આ યુવાનો જે બંદૂક હાથમાં લઇ અમસ્તા આપણા લોકોને મારી રહ્યા છે. પીએસઓ, એસડીઓને મારે છે. શા માટે મારે છે? એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે, જેમણે કાશ્મીરની બધી સંપત્તિ લૂંટી લીધી. તેમાંથી કોઇને પણ માર્યો છે અત્યારે? બંદૂકથી કાંઇ હાંસલ નહીં થાય.’

અગાઉ પણ મલિકનું નામ વિવાદો સાથે જોડાયેલું રહેલું છે. તેમણે પહેલાં કહ્યું હતું કે ‘મને આંતકીઓના મરવાથી પણ દુ:ખ થાય છે, પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે, છતાં એકનો પણ જીવ જાય, ભલે તે આતંકી જ કેમ ન હોય, તો મને તકલીફ થાય છે.’

દરમિયાન આજના વિવાદમાં ઉમર અબ્દુલ્લાહએ એક ટ્વીટ કરી લખ્યું કે ‘ એક બંધારણીય હોદ્દા પર બેઠેલા આ શખસ જવાબદાર વ્યક્તિ છે, જેઓ આતંકીઓને ભ્રષ્ટ કહેવાતા નેતાઓને મારવાનું કહે છે. કદાચ આ વ્યક્તિને ગેરકાયદે હત્યાઓ અને કાંગારુ કોર્ટોને મંજૂરી આપતા પહેલાં દિલ્હીમાં પોતાની પ્રતિષ્ઠા અંગે જાણવા જોઇએ’.

કાર્યક્રમમાં તેમણે પર્યટન ઉપર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે કારગિલ અને લેહમાં પ્રવાસનની ખૂબ સંભાવનાઓ છે. અહીં પર્યટન ઉત્સવો હજુ વધુ થવાની જરૂર છે.