મહેબૂબા, ઉમર અબ્દુલ્લા, સજ્જાદ લોન અને ઈમરાન અન્સારીની ધરપકડ

મુખ્ય સમાચાર રાજકીય

રાજ્યસભામાં સોમવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરાયા પછી જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે. ઉપરાંત જેએન્ડકે પીપલ્સ કોન્ફરન્સના નેતાઓ સજ્જાદ લોન અને ઈમરાન અંસારીની પણ ધરપકડ કરાઈ છે. રવિવારે મોડી રાતે કાશ્મીરમાં અગ્રણી નેતાઓને નજરકેદ કરાયા હતા.

હાલ મહેબૂબાને ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા છે. રાજ્યમાંથી કલમ ૩૭૦ હટાવાયાની દરખાસ્ત પછી કેન્દ્ર સરકારે આ પગલું ઉઠાવ્યું છે. મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારના દરેક પગલા પર શરૂથી સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં અધિક સુરક્ષા બળોને તૈનાત કરાતા અને સ્પેશિયલ એડવાઈઝરી જાહેર કરાયા પછી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સરકારના પગલાં પર સવાલ ઉઠાવી રહ્યા છે.

મહેબૂબા મુફ્તીએ સંસદમાં ૩૭૦ને રદ કરવા સંબંધિ જાહેરાતની થોડીક જ મિનિટોમાં ટ્વીટ કરી. પહેલી ટ્વીટમાં મુફ્તીએ કહ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વે ૧૯૪૭માં ભારત સાથે જવાનો જે નિર્ણય લીધો હતો, તે ખોટો સાબિત થઈગયો. ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે.

બીજીબાજુ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કર્યું કે ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવી જમ્મુ-કાશ્મીરના લોકો સાથે છેતરપિંડી છે. જમ્મુ-કાશ્મીરે ૧૯૪૭માં જે વિશ્વાસથી ભારત સાથે જોડાયું હતું, આજે તે વિશ્વાસ તૂટી ગયો છે. ભારત સરકારના આ નિર્ણયના ભયાનક દુષ્પરિણામ આવશે.

આ નિર્ણય લાગુ કરવા માટે ભારત સરકારે છેતરપિંડી કરી છે. ભારત સરકારના જમ્મુ-કાશ્મીરમાં પ્રતિનિધિઓએ અમને ખોટું કહ્યું કે કશું મોટું થવાનું નથી. આ નિર્ણય કાશ્મીર ખીણને યુદ્ધની છાવણીમાં ફેરવ્યા પછી લેવાયો છે. લોકોના અવાજને દબાવવા માટે રાજ્યમાં લાખો સશસ્ત્ર સૈન્ય દળો તૈનાત કરાયા છે.