સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ એ મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે એસજી હાઈવે પર ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા ૧ લાખનો દંડ ફટકારી કોર્પોરેશનને જગ્યા પાછી લેવા આદેશ કર્યો હતો.
જેના પગલે આજે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના ૪૭ બાંધકામોને દૂર કર્યા હતા. એક પ્લોટમાં ૨૬ અને બીજા પ્લોટમાં ૨૧ જેટલા ગેરકાયદે બાંધકામ ઉભા કરી દેવાયા હતા. એસજી હાઇવે પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને બે દિવસ પહેલા હાઇકોર્ટે મોટો ઝટકો આપી રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સરકારી જમીન પર દબાણ કરી ટી સ્ટોલ ચલાવવા બદલ અને નાહકની ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ઉધડો લીધો હતો. કોર્પોરેશનને તત્કાલિક જમીન પાછી લેવા આદેશ કર્યો હતો.

