આ વર્ષની શરૂઆતમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક એવી ઘટના બની હતી જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગ રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હવે આજે અંદાજે 6 મહિના પછી આ ઘટનાનો નિર્ણય આવવાનો છે. શરૂઆતમાં આ કેસની સુનાવણી જમ્મુ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ ત્યારપછી આ કેસ પઠાણકોટની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આજે પણ સજાની સુનાવણી પઠાણકોટ કોર્ટમાં જ કરવામાં આવશે. આજે સવારથી જ પઠાણકોર્ટની સિક્યુરિટી સજ્જડ કરી દેવામાં આવી છે. અહીં એક હજારથી પણ વધારે પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
ઘટનામાં કુલ 7 લોકોની ઘરપકડ, એક સગીર
કઠુઆ કેસમાં પોલીસે કુલ 7 લોકોની ધરપકડ કરી છે. તેમાં એક વ્યક્તિ સગીર હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે મેડિકલ ટેસ્ટમાં સામે આવ્યું છે કે, સગીર આરોપી 19 વર્ષનો થઈ ગયો છે. સમગ્ર ઘટનાના મુખ્ય આરોપીએ પણ સરન્ડર કરી દીધું છે. જે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર દિપક ખજુરિયા, પોલીસ ઓફિસર સુરેન્દ્ર કુમાર, રસાના ગામનો પરવેશ કુમાર, આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, પૂર્વ રેવન્યુ ઓફિસરનો દીકરો વિશાલ, તેનો પિતરાઈ ભાઈ જે સગીર ગણાવવામાં આવ્યો છે. આ સિવાય મુખ્ય આરોપી ગામના સરપંચ સાંજી રામની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
જમ્મુથી શિફ્ટ કરવામાં આવ્યો કેસ
કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટને તેની ટ્રાયલ ચંદીગઢ શિફ્ટ કરવાની અને આ કેસની સીબીઆઈને સોંપવાની અરજી કરવામાં આવી હતી. પીડિતાના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને જમ્મુ-કાશ્મીરમાંથી બહાર ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે નિર્ણય કરીને સુનાવણી પંજાબની પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમે આ કેસની સીબીઆઈ તપાસની માગણી નકારી દીધી હતી.
હેવાનિયતને પાર કરનારી ઘટના
કઠુઆ રેપની ઘટના 10 જાન્યુઆરીએ થઈ હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીએ બપોરે બાળકી તેમના ઘોડાને ચરાવવા માટે લઈને નીકળી હતી અને ત્યારપછી ઘરે પરત જ નહતી આવી. અંદાજે એક સપ્તાહ પછી 17 જાન્યુઆરીએ જંગલમાંથી બાળકીની લાશ મળી હતી. મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, બાળકી સાથે ઘણાં દિવસો સુધી ગેંગ રેપ કરવામાં આવ્યો હતો અને પથ્થરથી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં હોબાળો થયો હતો.

