પૂર્વાંચલ, મધ્યભારત અને ઉત્તર ભારત સહિતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તો ભારતના પાડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશમાં પણ પૂર પ્રકોપથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં જળસપાટી વધતાં કોસી અને સરહદી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આસપાસના ગામમાં સ્થિતિ ભયજનક બની છે. ઘણા ગામોમાં રસ્તા પણ ધોવાઈ ગયા છે. તો બાંગ્લાદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરથી લોકો પ્રભાવિત થયે છે. બાંગ્લાદેશમાં પૂરને કારણે વિવિધ વિસ્તારોમાં શુક્રવારે મૃત્યુઆંક 100 ને પાર થયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં મુંબઇ સહિત દેશનાં અનેક રાજ્યોમાં તોફાની વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે દેશનાં અનેક રાજ્યોમાં ઘોડાપૂર આવી શકે છે. અસમ અને બિહારમાં પૂરથી મૃતકોની સંખ્યા 200 સુધી પહોંચી ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીર સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
મુંબઇનાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ હવાઇમથકનાં જનસંપર્ક અધિકારીએ જણાંવ્યું કે,ભારે વરસાદને કારણે તમામ વિમાનો અંદાજીત અડધો કલાક મોડા ચાલી રહ્યા છે. અધિકારીઓએ જણાંવ્યું કે વરસાદને કારણે સાત ઉડાન રદ્દ કરવામાં આવી છે. તેમજ 17 વિમાનો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

