પાંચ વર્ષ અગાઉ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા રકમ એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઇ છે.નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 3 જુલાઇના રોજ 36.06 કરોડ પ્રધાન મંત્રી જન ધન યોજના(પીએમજેડીવાય) ખાતાઓમાં 1,00,495.94 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ આ ખાતાઓમાં 99,649.84 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું જ્યારે તેના એક સપ્તાહ અગાઉ આ ખાતાઓમાં 99,232.71 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું.
પીએમજેડીવાય 28 ઓગસ્ટ, 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક નાગરિકને બેંકિંગ સુવિધા પૂરી પાડવાનો હતો. પીએમજેડીવાય હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ(બીએસબીડી) તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી હતી. નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે પીએમજેડીવાય હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટની સંખ્યા માર્ચ 2018માં 5.10 કરોડ હતી જે માર્ચ, 2019માં ઘટીને 5.07 કરોડ થઇ હતી.
આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓ પૈકી 28.44 કરોડ ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. આ સ્કીમની સફળતાને ધ્યાનમાં રાખી 28 ઓગસ્ટ, 2018 પછી આ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલા નવા ખાતાઓમાં અક્સ્માત વીમાની રકમ એક લાખથી વધારી બે લાખ રૂપિયા કરવામાં આવી હતી. ઓવરડ્રાફટની લિમિટ પણ વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. 50 ટકા જન ધન ખાતા મહિલાઓના છે.