કાશ્મીરને ભડકે બાળીશું, સૈન્ય અમારો ટાર્ગેટ : અલકાયદાની ધમકીનો વીડિયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આતંકી સંગઠન અલ કાયદા ફરી સક્રિય થઇ ગયું છે અને હવે ખુલ્લેઆમ હુમલાની ધમકીઓ આપવા લાગ્યું છે. અલકાયદાએ એક વીડિયો જારી કરીને ધમકી આપી છે કે અમે કાશ્મીરને લઇને જ રહીશું. ઓસામા બિલ લાદેન બાદ અલકાયદાની કમાન આતંકી અયમન અલ જવાહિરીએ સંભાળી છે.

અયમન જવાહરીએ કાશ્મીરમાં સક્રીય આતંકી સંગઠનોને કહ્યું છે કે હવે ભારતીય સૈન્ય અને સરકાર પર હુમલા વધારી દો. આ સાથે જ જવાહિરીએ ખુલ્લેઆમ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. તેણે કહ્યું છે કે અમને આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાન મદદ કરવા માટે તૈયાર છે.

અત્યાર સુધી પાકિસ્તાન એવા દાવા કરતુ રહ્યું છે કે આતંકીઓને અમે કોઇ જ મદદ નથી કરી રહ્યા હવે અલકાયદા જેવા ખુંખાર આતંકી સંગઠનના કમાન્ડરે ખુલ્લેઆમ વીડિયો જારી કરીને કહ્યું છે કે ભારતમાં આતંક ફેલાવવામાં અમને પાકિસ્તાન મદદ કરવા માટે તૈયાર છે.

ખાસ કરીને ભારતીય સૈન્ય અને સરકારને પરેશાન કરવામાં પાકિસ્તાન અમારી સાથે તે કબુલાત અલકાયદાએ કરી છે. અલકાયદાએ આ ધમકી આપતો વીડિયો અસ સહાબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. આ ચેનલ અલકાયદા માટે જ કામ કરે છે અને અગાઉ પણ તેના નિવેદનો જારી કરી ચુકી છે.

જોકે ઘણા લાંબા સમય બાદ અલ કાયદાએ એક વીડિયો જારી કરીને કાશ્મીર ભડકે બાળવાની ધમકી આપી છે. અલકાયદાના વડાએ આ વીડિયોમાં ધમકી આપતા કહ્યું છે કે કાશ્મીર વિવાદ સ્થાનીક નથી પણ મુસ્લિમ સમુદાયનો જેહાદ છે. આવુ નિવેદન કરીને અલકાયદાએ અન્ય શાંતિપ્રિય મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કર્યો અને કાશ્મીર વિવાદને મુસ્લિમો સાથે જોડી દીધો હતો.