ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે. ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે. સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો છે. અત્યાર સુધી 400 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી કંપનીઓ પર 25% અને બાકીની કંપનીઓ પર 30% કોર્પોરેટ ટેક્સ લાગતો હતો.
ઘરેલું કંપનીઓ જો કોઈ અન્ય છૂટ લેતી નથી તો તેમણે 22 ટકા ટેક્સ આપવાનો રહેશે. સરચાર્જ અને સેસ બંનેને મેળવીને ટેક્સ દર 25.17 ટકા થશે. કંપનીઓ જો હાલ છૂટ લઈ રહી છે તો ટેક્સ હોલિડે એક્સપાયરી બાદ ઓછા ટેક્સ દરનો વિકલ્પ પસંદ કરી શકશે. બિલ દ્વારા આ ફેરફાર લાગુ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આઈટી એક્ટમાં નવા પ્રવધાનોને જોડવામાં આવ્યા છે, જે સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ઘરેલું કંપની જેની રચના 1 ઓક્ટોબર 2019 કે તેના પછી થઈ હોય અને જે નવેસરથી રોકાણ કરી રહી છે તો તે 15 ટકાના દરથી ઈન્કમ ટેક્સની ચૂકવણી કરશે. નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. પ્રેસ કોન્ફોરન્સ બાદ સેન્સેક્સ 2267 અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 517 અંક વધ્યો છે.
મુખ્ય જાહેરાતો
મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
ઘરેલું કંપનીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22% થશે, જ્યારે સરચાર્જ અને સેસ જોડીને દર 25.17% થશે.
સરકારને આ જાહેરાત બાદ 1.45 લાખ કરોડનું નુકસાન થશે.
ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવવામાં આવ્યો છે
લિસ્ટેડ કંપનીઓને રાહત આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે એ કંપનીઓએ હવે બાયબેક ટેક્સ આપવો પડશે નહિ, જેમણે 5 જુલાઈ 2019 પહેલા બાયબેક શેરની જાહેરાત કરી છે.
આ સિવાય MAT(મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ) ખત્મ કરવામાં આવ્યો છે. આ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવે છે, જે નફો કમાય છે. જોકે છૂટના કારણે તેની પર ટેક્સની જવાબદારી ઓછી હોય છે. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 115JB અંતર્ગત MAT લાગે છે.
એક્સપર્ટ સાથેની વાતચીતના આધારે સવાલ-જવાબ
સવાલઃ કોર્પોરેટ ટેક્સમાં શું ફેરફાર આવશે ?
પહેલાઃ 34.94% (સેસ,સરચાર્જ સહિત)
હવેઃ 25.17%(સેસ, સરચાર્જ સહિત)
સવાલ: નિર્ણય કયારે અને કઈ રીતે લાગુ થશે ?
જવાબઃ 1 એપ્રિલ 2019થી લાગુ માનવામાં આવશે. સરકાર બિલ દ્વારા લાગુ કરશે.
સવાલઃ તાત્કાલિક શું અસર જોવા મળશે ?
શેરબજારઃ નાણાં મંત્રીએ જાહેરાત કરી કે શેરમાં વેચાણથી કેપિટલ ગેન પર સરચાર્જ વધારો લાગુ થશે નહિ. જે કંપનીઓએ 5 જુલાઈ પહેલા શેર બાયબેકની જાહેરાત કરી હતી. તેની પર પણ ટેક્સ લાગશે નહિ. તેની અસર એ થઈ કે સેન્સેક્સ 2250 અંક વધીને 38,300ની ઉંપર પહોંચી ગયો. આ 10 વર્ષમાં એક દિવસની સૌથી મોટી તેજી. અગાઉ 18 મે 2009એ આટલી તેજી નોંધાઈ હતી.
સવાલઃ કંપનીઓનો ટેક્સ બચશે તો શું થશે ?
જવાબઃ કંપનીઓ છટણીઓ અને ખર્ચમાં કાપ મૂકશે નહિ. નવી નોકરીઓની આશા પણ વધશે. તેનાથી લોકોનો ડર ખત્મ થશે. તેઓ તહેવારી સિઝનમાં વધુ ખર્ચ કરશે. લોકોની પ્રોડક્ટિવિટ પણ વધશે.
સવાલઃ અર્થવ્યવસ્થાને શું ફાયદા થશે ?
જવાબઃ કોર્પોરેટને સરકારમાં ભરોસો વધશે. કંપનીઓ ટેક્સ બચતના પૈસાનો ઉપયોગ મેન્યુફેકચરિંગ, લોન ચુકવવા કે રોકાણ માટે કરશે. તેનાથી બેન્કિંગ સિસ્ટમ અને બજારમાં કેશ વધશે. સરકારને આશા છે કે રોકાણ, રોજગાર અને આર્થિક ગતિવિધિઓ વધશે. તેનાથી રેવન્યુમાં પણ વધારો થશે.
સવાલઃ શું સરકારને પણ ફાયદો થશે ?
જવાબઃ બજારના સેન્ટીમેન્ટમાં સુધારો થશે. લોકો વધુ ખરીદી થશે. તેનાથી જીએસટી ક્લેકશન વધશે. એટલે કે સરકાર હાલ જે 1.45 લાખ કરોડ ખર્ચ કરશે, તે આગળ જતા ટેક્સ કલેકશનમાંથી પ્રાપ્ત થઈ જશે. ટેક્સ ઘટવાનો ફાયદો સરકારી કંપનીઓને પણ થશે.
સવાલઃ જીડીપી ગ્રોથ પર કેટલી અસર પડશે ?
જવાબઃ સરકારના પગલાથી ગ્રોથને ફાયદો તો થશે, કેટલો અને કયાં સુધી. આ અંગે હાલ વિચારવું ન જોઈએ. જોકે બાયકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શોએ ભાસ્કર APP સાથેથી વાતચીતમાં કહ્યું કે સરકારના નિર્ણયની ઘણી અસર થશે. આવનારા સમયમાં જીડીપી ગ્રોથ 7% પહોંચી શકે છે.

