પાક. સૈન્યનો ઘૂસણખોરીનો પ્રયાસ સરહદના ગામો પર ભારે તોપમારો

મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાન દ્વારા સરહદના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેને પગલે અનેક ગામડાઓમાં મકાનોને ભારે નુકસાન થયું છે. સાથે જ લોકોમાં એક ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને સાંબા અને કઠુઆને ફરી નિશાન બનાવ્યા હતા. જોકે અનેક મકાનોને નુકસાનની સાથે પશુઓને પણ ઇજા પહોંચી છે.

દરમિયાન પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદ પાર કરીને ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. એલઓસી પર કૃષ્ણા ઘાટી સેક્ટરની સામે પુંછ નદીના કિનારે પાકિસ્તાની સૈન્યના સ્પેશિયલ સર્વિસ ગુ્રપ (એસએસજી)ના જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જવાનો આ વિસ્તારમાં જોવા મળ્યા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે ભારતીય સૈન્ય દ્વારા આ ઘુસણખોરીને નાકામ બનાવી દેવામાં આવી છે તેથી પાક. સૈન્યના જવાનો પરત ભાગી ગયા હતા.

પાકિસ્તાન મોર્ટાર મારો પણ કરી રહ્યું છે જેને પગલે હજુ પણ અનેક વિસ્તારોમાંથી જીવતા શેલ મલી રહ્યા છે. હાલમાં જ સરહદના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન નવ જેટલા મોર્ટાર શેલ મળી આવ્યા હતા. જેનો બાદમાં નાશ કરવામાં આવ્યો છે. આ શેલ સરહદના વિસ્તારોમાંથી મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પાકિસ્તાન આ પ્રકારના શેલ છોડતુ હોય છે જેનો બાદમાં વિસ્ફોટ થાય તો જીવ પણ લઇ શકે છે. તેથી સૈન્ય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પણ પોતાના ખેતરો વગેરેમાં જાય ત્યારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત નવ જીવતા શેલ મળી આવતા સૈન્ય દ્વારા હાલ ગ્રામીણ વિસ્તારો, ખેતરો વગેરેમાં આ પ્રકારના શેલ શોધવાની પણ કવાયત ચાલી રહી છે. જોકે આ શેલ ક્યારે છોડવામાં આવ્યા હશે તેની કોઇ ચોક્કસ માહિતી નથી મળી શકી પણ એવી શક્યતાઓ છે કે આ વર્ષે પાક. દ્વારા મોટા પ્રમાણમાં તોપમારો કરાયો હોવાથી તાજેતરના ગોળીબારમાં જ આ શેલ છોડાયા હોઇ શકે છે. સૈન્ય દ્વારા જારી માહિતી અનુસાર આ શેલ ૧૨૦ એમએમ અને ૮૧ એમએમના છે.

જે બાલાકોટ અને સેન્ડોટ, બાસોનીમાંથી મળી આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોને સતર્ક રહેવાની સુુચના અપાઇ છે કેમ કે જે શેલ મળી આવ્યા છે તે ગ્રામીણ વિસ્તાર જ છે. દરમિયાન પાકિસ્તાન સૈન્ય દ્વારા જે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે તેનો આક્રામક જવાબ આપવા માટે બીએસએફને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન હાલ સાંબા અને કઠુઆમાં વધુમાં પ્રમાણમાં ગોળીબાર કરી રહ્યું છે કેમ કે અહીં મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તાર હોવાથી આમ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. આ ઉપરાંત આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો પણ કરી રહ્યું છે.