રાજકોટમાં હેલમેટ સહિતના ટ્રાફિક દંડમાં આમ નાગરિકોની કમ્મર તૂટી જાય તેવા તગડા દંડ સામે લોકોમાં પ્રચંડ રોષ જાગ્યો છે અને સોશ્યલ મિડીયાથી માંડીને લોકોમાં થતી ચર્ચામાં આ મુદ્દે નારાજગી વ્યક્ત થતી રહે છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસે આજે જિલ્લા પંચાયત ચોક (પો.કમિ.કચેરી પાસે) ધરણાંનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ આપે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી તો બીજી તરફ જંક્શન પ્લોટ વિસ્તારમાં ચારસો જેટલા વેપારીઓએ બંધ પાળીને રોષ વ્યક્ત કર્યો હતો જ્યાં પણ પોલીસે અટક કરી હતી.
કોંગ્રેસે આજથી ત્રણ દિવસ સુધી જિ.પં.ચોકમાં ધરણાં યોજવાનું જાહેર કર્યું હતું પરંતુ, પોલીસ દ્વારા આશ્ચર્યજનક કારણો સાથે શાંતિપૂર્વક ધરણાં યોજવાની પણ મંજુરી અપાઈ ન્હોતી. આમ છતાં આ મુદ્દે સરકારના નિયમ વિરુધ્ધ વ્યાપક મુક જનસમર્થન જોઈને કોંગ્રેસના નેતાઓ જૂથવાદને છોડીને એક થયા હતા અને કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત કચેરીએ સાડા નવ વાગ્યે આવ્યા હતા.
કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે જણાવ્યું કે અમે હજુ તો જિલ્લા પંચાયત કચેરીમાં હતા ત્યાં જ પોલીસ અધિકારીઓ ત્યાં ધસી આવીને અમારી અટકાયત શરુ કરતા અમે વિરોધ કર્યો હતો, કારણ કે પોલીસ અમને જિ.પં.માંથી અટક કરી શકે નહીં.અમે પોલીસને જણાવ્યું કે નિયત સમય ૧૦ વાગ્યે અમે ધરણાં યોજવાના જ છીએ ત્યારે તમારે જે કરવું હોય તે કરજો. આ અંગે ઉગ્ર ચર્ચા ચાલતી હતી ત્યાં પોલીસે જસવંતસિંહ ભટ્ટીને હાથખેંચીને લઈ જતા અને બાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના નેતાઓને પણ ખેંચીને પોલીસ વાનમાં ધકેલી અટકાયત કરાઈહતી.
પચાસેક નેતાઓ, કાર્યકરોને પકડીને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાતા ત્યાં કોંગ્રેસે પોલીસનું પાણી પણ નથી પીવું તેમ જાહેર કરીને કેટલાક કાર્યકરોએ બપોર સુધી અન્નજળ ત્યાગ્યા તો કેટલાકે બહારથી પાણી મંગાવ્યું હતું અને હેડક્વાર્ટરમાં ફરસ પર બેસીને રામધૂન બોલાવીને હેલમેટ સહિતના દંડ અને પોલીસના વલણ સામે વિરોધ કર્યો હતો.
દરમિયાન આજે રાજ્ય સરકારે હેલમેટના રૂ।.૫૦૦ના દંડમાંથી તા.૧૫ ઓક્ટોબર સુધી મુક્તિ આપી છે જે અન્વયે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આ સમયમાં સરકાર જો રાજકોટમાં હેલમેટમુક્તિ નહીં આપે કે તા.૧૫ પછી ફરી ઉંચો દંડ વસુલવાનું શરુ કરશે કે નાનુ બાળક દંપત્તિ સાથે જતું હોય તેને ટ્રીપલ સવારી ગણીને દંડ ફટકારશે તો અમે લોકોની સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું.
બીજી તરફ જંક્શન પ્લોટ વિસ્તારમાં વેપારીઓએ આજે કોઈ રાજકીય પક્ષને સાથે રાખ્યા વગર બંધનું એલાન આપ્યું હતું અને ચારસો જેટલી દુકાનો સજ્જડ બંધ રહ્યાનું જણાવાયું છે. આ વખતે પણ પોલીસ ત્યાં ધસી ગઈ હતી અને વેપારીઓની અટક કરી હતી.
આશ્ચર્યની વાત એ છે કે હેલમેટ દંડ મુદ્દે લોકો પોતાનો અવાજ ધરણાં, બંધ વગેરે દ્વારા જ વ્યક્ત કરતા હોય છે ત્યારે પોલીસ તે અવાજ વ્યક્ત કરવા દેવાને બદલે અટકાવે છે. જો કે આમ છતાં લોકોમાં રોષ ઓછો થયો નથી. હાલ તા.૧૫ ઓક્ટોબર સુધી ઉંચો દંડ લાગુ નહીં થતા આ મુદ્દો શાંત પડશે પણ ત્યારબાદ જો પોલીસ આ જ રીતે દંડના મેમો ફટકારતી રહેશે તો આંદોલનમાં લોકોનો વિશાળ સમુહ પણ સામેલ થવાની શક્યતા નકારાતી નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોંગ્રેસ સિવાય અન્ય સંગઠનો પણ આ મુદ્દે આંદોલન માટે બેઠકો બોલાવી રહ્યા છે અને રાજકોટ બંધના એલાન, રેલી સહિતની વિચારણા પણ કરાઈ છે.

