ગુજરાતમાંથી વિશ્વ સ્તરે પહોંચેલા નવરાત્રી મહોત્સવને લઈ આ વખતે સમગ્ર રાજ્યમાં નિરસતાનો માહોલ છે. આ વર્ષે ગરબા આયોજકોને વરસાદ, ફાયર સેફ્ટી, પાર્કિંગ અને ઈન્સ્યોરન્સ જેવી સમસ્યાઓ નડી રહી હોવાથી પાર્ટી પ્લોટને બદલે શેરી ગરબાઓનો ફરી ટ્રેન્ડ શરૂ થયો છે. ચાલુ વર્ષે અમદાવાદમાં 45 જેટલા પાર્ટીપ્લોટમાં જ ગરબાઓ આયોજન છે તો બીજી બાજુ 2500થી વધુ જગ્યાએ શેરી ગરબા યોજાવા જઈ રહ્યા છે છે. અમદાવાદ શહેર પોલીસ પાસે 45 જેટલા પાર્ટી પ્લોટના ગરબાના આયોજકોએ મંજૂરી માંગી છે. તેમજ 45થી વધુ પોલીસ સ્ટેશનમાં 2500થી વધુ સોસયટીઓ અને ફ્લેટના સંચાલકોએ મંજૂરી માંગી છે. સતત બીજા વર્ષે પણ નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનો ઘટ્યા છે. પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે વર્ષ 2017માં 56 અરજીઓ આવી હતી, જે 2018માં ઘટીને 48 થઈ અને 2019માં તો 45 અરજીઓ જ આવી છે. આમ સતત ત્રીજા વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ઘટાડો થયો છે.
નિયમોનું પાલન કરવા સક્ષમ ન હોય એવા ગરબા આયોજકોએ મંજૂરી ના લીધી
પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન ઘટવા પાછળ કેટલાક કારણો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદની આગાહી આવી છે. આ ઉપરાંત રાજ્યમાં કડક થયેલા ટ્રાફિક નિયમોને પગલે આડેધડ પાર્કિંગને બદલે ચોક્કસ વ્યવસ્થા કરવી પડશે.જ્યારે ફાયર સેફ્ટી અને ઈન્સ્યોરન્સના નિયમોનું પણ ચૂસ્ત પાલન કરવાનું છે. જેથી આ તમામ શરતોનું પાલન કરવા માટે સક્ષમ ન હોય એવા ગરબા આયોજકોએ મંજૂરી લીધી નથી.
ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી મેળવવું ફરજિયાત
અમદાવાદ ઉપરાંત રાજકોટમાં નવરાત્રી દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘે જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપી છે. શહેરમાં નવરાત્રી દરમિયાન 669 પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 12 પીઆઇ અને 43 પીઆઇએસ ફરજ બજાવશે. ગરબા આયોજકોએ ગ્રાઉન્ડમાં ફરજીયાત સીસીટીવી લગાવી 30 દિવસ સુધી તેનો ડેટા સાચવી રાખવો પડશે. ફાયર સેફ્ટીના સાધનો અને NOC મેળવવું પણ ફરજિયાત છે. તેમજ પાર્કિંગની વ્યવસ્થા અને સિક્યુરિટીનના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.શહેરમાં 28 કમર્શિયલ, 103 પ્રાચીન અને 469 નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 17 વેલકમ નવરાત્રીનું પણ આયોજન છે.

