અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી વિદાય લેશે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી(ADAG)ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલની AGM(એન્યુઅલ જનરલ મિટિંગ)માં સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરના સંકટ, ઓડિટર અને રેટિંગ એજન્સીઓની તર્કહીન કાર્યવાહી અને હાલની મંદીના કારણે જે નુકસાન થયું છે, તેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. અંબાણીની આ જાહેરાતના પગલે રિલાયન્સ કેપિટલનો શેર બીએસઈ પર 12.5% ઘટીને બંધ થયો હતો.

અનિલ અંબાણીની જાહેરાતની અસર ગ્રુપની અન્ય કંપનીઓના શેર પર પણ પડી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 5% નુકસાનમાં રહ્યાં હતા. રિલાયન્સ ઈનફ્રાસ્ટ્રકચરમાં 14% ઘટાડો આવ્યો છે. રિલાયન્સ પાવર 8% અને રિલાયન્સ નિપ્પન એસેટ મેનેજમેન્ટ 1.4% તૂટ્યો હતો.

રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છીએઃ અનિલ અંબાણી

અનિલ અંબાણીએ કહ્યું કે એડીએજી ગ્રુપે છેલ્લા 15 મહીનામાં 35,000 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. કોઈ બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની કે નાણાંકીય સંસ્થાને લોન લીધા વગર માર્ચ 2020 સુધી વધુ 15,000 કરોડ ચૂકવવામાં આવશે. સમુહના 60,000 કરોડ રૂપિયાની લેવડ-દેવડ રેગ્યુલેટરી અને આર્બિટ્રેશનની કાર્યવાહીમાં છેલ્લા 5-10 વર્ષથી અટકી છે. અમે રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છે

રિલાયન્સે કેપિટલ દેશની અગ્રણી ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપનીઓમાં સામેલ છે. તેના બે ક્રેડિટ વર્ટિકલ- રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ છે. કંપનીના 18 હજાર કર્મચારી છે. રિલાયન્સ કેપિટલ લોન આપવા સિવાય જનરલ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સ, એસેટ રિકન્સ્ટ્રકશન, સિક્યોરિટી બ્રોકિંગ અને કોમોડિટી એક્સચેન્જના બિઝનેસમાં પણ છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) બાદ એડીએજી ગ્રુપે બીજા કારોબારમાંથી નીકળવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ બિઝનેસમાંથી નીકળી જવાની જાહેરાત 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આરકોમ હાલ દેવાળિયા પ્રક્રિયામાં છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, ગ્રુપની અન્ય એક કંપની રિલાયન્સ નેવલ પણ સંકટમાં છે.