આગામી બજેટમાં આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા જાહેર થવા સંભવ

મુખ્ય સમાચાર રાજકીય

પ્રત્યક્ષ વેરાના કાનૂનમાં ઘણા લાંબા સમયથી સુધારો કરવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે એમાં સક્રિયતા આવવાની અપેક્ષા છે. નવી સરકારને સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે તેમજ જીએસટીના અમલીકરણની ગાડી પાટે ચઢી ગઈ છે એટલે હવે સરકાર આવકવેરા ધારામાં મોટાપાયે સુધારા કરવા બાબતે ફોક્સ કરવા માગે છે.

માહિતગાર સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતમુજબ પાંચમી જુલાઈએ રજૂ થનારા બજેટમાં આ માટેની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવશે.આવકવેરા ધારામાં મોટા સુધારા કરવાની વાતચીત ઘણા સમયથી ચાલી રહી છે. એના માટે કમિટિની નિમણૂંક પણ કરવામાં આવી હતી. હવે જીએસટીના અમલીકરણનું કામ લગભગ પૂરું થઈ ગયું છે એટલે સરકાર આવકવેરા ધારામાં ફેરફાર બાબતે ફોક્સ કરશે.

નાણાં મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનો તેમજ ભારતની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રત્યક્ષ વેરા ધારા માટેનો ડ્રાફટ તૈયાર કરવા માટે નવેમ્બર ૨૦૧૭માં ટાસ્ક ફોર્સની રચના કરી હતી જેનો રિપોર્ટ છ મહિના અથવા એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા હતી.

નવેમ્બર ૨૦૧૮માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસના મેમ્બર અખિલેશ રાજનના નેતૃત્વ હેઠળ એની પુનઃરચના કરવામાં આવી. ૨૭મેના રોજ વધુ બે મહિનાની મુદત વધારી આપવામાં આવી હતી. હવે ૩૧ જુલાઈ ૨૦૧૯ના રોજ કમિટી ફાઈનલ રિપોર્ટ સુપરત કરે એવી અપેક્ષા છે કમિટિનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. કમિટીએ બધા જ સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી છે.

જોકે, રિપોર્ટના રિવ્યુ બાબતે ચર્ચાઓ કરવી પડશે. એમાં ઘણો સમય લાગી જશે જીએસટીની જેમ આવકવેરા ધારાના રિડ્રાફટીંગમાં પણ ઘણો સમય લાગે એવી ગણતરી છે.સપ્ટેમ્બર ૨૦૧૭માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્વ જ્ઞાાન સંગમમાં ૫૦ વર્ષ કરતાં પણ વધુ જૂના ઈન્કમ ટેક્સ એક્ટના રિડ્રાફટીંગની જરૂરિયાત બાબતે રજૂઆત કરી હતી.

અગાઉ યુપીએ સરકારે પણ ઈન્કમ ટેક્સ એક્ટનો રિવ્યુ કરવાનો પ્રારંભ કર્યો હતો અને ડાયરેકટ ટેક્સ કોડની દરખાસ્ત કરી હતી. જોકે બાદમાં આ કામગીરી પડતી મુકવામાં આવી હતી.

બદલાઈ રહેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ઈન્ટરનેશનલ ટેકસેશન તેમ જ અન્ય જોગવાઈઓ દાખલ કરવામાં આવી હતી.