ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યે બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડે છ વિકેટે હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ બીજી મેચમાં એટલા માટે વધી જશે, કારણ કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન (વીસીએ) સ્ટેડિયમમાં તેમનો ભારત સામેનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. કાંગારુંઓ આ મેદાન પર ભારતને એક પણ વાર હરાવી શક્યાં નથી.
નાગપુરના વીસીએ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વન ડે મેચ રમાઈ છે અને ત્રણેય વાર ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ૨૩ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ કાંગારું ટીમને ૯૯ રનથી હરાવી હતી. ત્યા બાદ ટીમ ઇન્ડિયાએ ૩૦ ઓક્ટ્ોબર, ૨૦૧૩ના રોજ ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીની સેનાએ ૧ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે શિકસ્ત આપીને વીસીએ મેદાન પર જીતની હેટટ્રિકટ લગાવી હતી.
ભારતીય ટીમ આ મેદાન પર કુલ પાંચ વન ડે મેચ રમી ચૂકી છે, જેમાં ત્રણ વિજય અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેદાન પર શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર એક વાર ન્યૂઝીલેન્ડનો સામનો કર્યો હતો અને ૨૦૧૧ વિશ્વકપની એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.