જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. રવિવારે રાજ્યના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
દક્ષિણ કાશ્મીરના શોપિયાના કીગમમાં દારમદોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરિમયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ચાર આતંકીઓને ઠાર કરાયા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી હથિયારો કબ્જે કર્યા છે અને આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
અગાઉ શનિવારે બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં બારિયાનમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. એહીંયા આતંવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળતા ભારતીય સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત આપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાતા જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.