લાલુ યાદવને વધુ એક ફટકો, આઈટી રૂ. 3.7 કરોડની સંપત્તિ જપ્ત કરશે

મુખ્ય સમાચાર રાજકીય

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગે લાલુ યાદવે અને તેના પરિવારની બેનામી સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આટલું જ નહીં અવામી કોઓપરેટિવ બેન્કમાં તેના ખાતામાં જમા રહેલી રકમ પણ આઈટી જપ્ત કરશે.

આઈટીના સૂત્રોએ શનિવારે જણાવ્યા મુજબ આવકવેરા વિભાગના પ્રથમ અપીલ અધિકારીએ લાલુ યાદવ અને તેમના પરિવારજનોની કુલ 3.7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપી છે. લાલુનો પરિવાર સંબંધિત સંપત્તિના કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જતા આવકવેરા વિભાગે આ પગલું લીધું છે.

લાલુ અને તેના પરિવાર સાથે સંકળાયેલી સંપત્તિઓને જપ્ત કરાશે તેમાં પટણાના જય પ્રકાશ નારાયણ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પાસે રહેલી બે માળની બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે. ચારા કૌભાંડમાં આરોપી આરકે રાણા પહેલા આ બિલ્ડિંગના માલિક હતા. 2002માં કોલકાતાની ફેર ગ્રો હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 76.3 લાખ રૂપિયામાં ખરીદી હતી.

તેજસ્વીના બંગલામાં 44 એસી

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુના પુત્ર તેજસ્વી યાદવે જૂના સરકારી બંગલાના નવીનીકરણને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ થઈ રહ્યા છે. બિહાર સરકારના બાંધકામ વિભાગના મુખ્ય સચિવ ચંચલ કુમારે બંગલાના નવીનીકરણમાં વધુ ખર્ચ નહીં કર્યાનો દાવો કર્યા બાદ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ શનિવારે જણાવ્યું કે તેજસ્વીના કાર્યકાળ દરમિયાન બંગલા પાછળ અઢળક ખર્ચ કરાયો હતો. તેજસ્વી યાદવને ક્યા નિયમ હેઠળ 44 એસી ફાળવવામાં આવ્યા તેવો સવાલ પણ મોદીએ કર્યો હતો.

આરજેડી, કોગ્રેસ અને જેડીયુની ગઠબંધન સરકાર વખતે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેજસ્વી યાદવને સરકારી મકાન ફાળવવામાં આવ્યું હતું. જો કે બિહારમાં પાછળથી નીતીશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડતા ભાજપમાં જોડાઈ ગયા હતા.