વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોના મોત, 29 લાખ સંક્રમિત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે બે લાખથી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 29 લાખને પાર થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 2,494 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયા છે. 

અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 54 હજાર 265 લોકોના મોત થયા છે અને કોરોનાના કેસોની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. આ મહામારી છતા પણ જોર્જિયા, ઓકહોમા અને અલાસ્કામાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યોના ગવર્નરોએ સલૂન, સ્પાને પણ ખોલવાની મંજૂરી આપી દીધી છે. અલાસ્કામાં રેસ્ટોરન્ટની અંદર ડાઈન ઈન સર્વિસ અને અન્ય બિઝનેસ ખુલી ગયા છે. 

ઈટાલીમાં શનિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસથી 415 લોકોના મોત થયા છે અને 2,357 નવા કેસ સામે આવ્યા છે. ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઈટાલીના કોરોના વાયરસને કારણે 26 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 1,95,000 છે. 

બ્રિટનમાં વીતેલા એક દિવસમાં 813 લોકોના કોરોના વાયરસ સંક્રમણથી મોત બાદ મૃત્યુઆંક શનિવારે 20 હજાર પહોંચી ગયો છે. બ્રિટનના સ્વાસ્થ્ય અને સામાજીક દેખરેખ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્રોની બહાર થયેલી મોતોની સંખ્યા સામેલ નથી તેથી જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.