અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી અંગે ઇરાને વળતો પ્રહાર કર્યો છે. ઇરાને જણાવ્યું છે કે જો અમેરિકા તેની તરફ એક પણ ગોળી છોડશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઇરાને અમેરિકાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી અંગે નિવેદન જારી કર્યુ હતું. ઇરાને વધુમાં જણાવ્યું છે કે અમેરિકા અમારી વિરુદ્ધ કોઇ પણ આક્રમક કાર્યવાહી કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. મધ્ય પૂર્વમાં સશસ્ત્ર બળના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબુફઝલ શકરચીએ જણાવ્યું હતું કે ઇરાનની એક ગોળીથી અમેરિકા અને તેના સહયોગીઓના હિતોમાં આગ લાગી જશે.
તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામિક ગણરાજ્ય ક્યારેય પણ યુદ્ધ ઇચ્છતું નથી. તે ક્યારેય પણ યુદ્ધ શરૂ કરવા માગતું નથી પણ જો શત્રુ નાની પણ ભૂલ કરશે તો તેને મધ્ય અને પશ્ચિમ એશિયામાં સૌથી મોટી ક્રાંતિકારી પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.
શકરચીએ જણાવ્યું હતું કે જો શત્રુ એક પણ ગોળી છોડશે તો અમે જરૂર તેનો જવાબ આપીશું. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ટ્રમ્પે જણાવ્યું હતું કે તેણે ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલા માટે ન કરી કારણકે તેમાં ૧૫૦થી વધુ નાગરિકોના મોત થવાની શંકા હતી.
આ અગાઉ ગુરૂવારે ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઇરાનમાં ત્રણ સ્થળોએ હુમલો કરવાની યોજના બનાવી હતી. આ દરમિયાન બ્રિગેડિયર જનરલ આમીર અલી હાજીઝાદેહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાનું ડ્રોન ભૂલથી પણ અમારી સીમામાં પ્રવેશી ગયું હોય તેવી પણ શક્યતા છે.
.યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને અમેરિકાના નાગરિક વિમાનોને ઇરાન પરથી ન ઉડવાના નિર્દેશ આપ્યા છે. બ્રિટિશ એરવેઝ, કેએલએમ, લુફથાન્સા, કાન્ટાસ,એમિરાત્સ અને એતિહાદે પણ સંવેનદશીલ વિસ્તાર પરથી નહીં ઉડવાનો નિર્ણય લીધો છે.
ભારતીય વિમાનો ઇરાનના તંગદિલીગ્રસ્ત વિસ્તારમાં નહીં ઉડે
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની વચ્ચે ભારતના ઉડ્ડયન નિયંત્રકે જણાવ્યું છે કે ભારતીય એરલાઇન્સોએ ઇરાનના સંવેદનશીલ વિસ્તારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકન એવિએશન રેગ્યુલેટરે પણ પોતાના યાત્રી વિમાનોને ઇરાનના સંવેદનશીલ વિસ્તારમાંથી ઉડ્ડયન ન કરવાના નિર્દેશ આપ્યા હતાં. ડીજીસીએના આ નિર્ણય પછી એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારા ફલાઇટના સમયમાં ખાસ કોઇ ફેર નહીં પડે.
ઇરાન પરમાણુ શસ્ત્રોનો નાશ કરે તો હું તેનો શ્રેષ્ઠ મિત્ર બનીશ : ટ્રમ્પ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૨
ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે જો ઇરાન પરમાણુ શસ્ત્રોનો નાશ કરશે તો હું તેમનો શ્રેષ્ઠ મિત્ર બની જઇશ.
જો ઇરાન પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા તૈયાર થઇ જાય તો તે એક ધનિક દેશ બની શકે છે. હું આશા રાખું છું કે ઇરાન પોતાના પરમાણુ શસ્ત્રો નાશ કરવા માટે તૈયાર થઇ જશે. ચાલો આપણે ઇરાનને ફરી એક વખત મહાન બનાવીએ.

