કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શનિવારે લખનૌમાં CAA વિરુદ્ધ પ્રદર્શન કરવા પર ધરપકડ પામેલા બે પૂર્વ IPS અધિકારીઓને મળવા પહોંચી હતી. પ્રિયંકાનો આરોપ છે કે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારીએ મને ધક્કો દઇને પાડી દીધી અે મારુ ગળુ દબાવ્યું. આ પહેલા પ્રિયંકાએ કોંગ્રેસના 135મા સ્થાપના દિવસના અવસરે પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
જ્યારે પ્રિયંકા રિટાયર્ડ IPS સદક ઝફરને ન મળી શક્યા તો તેઓ પ્રદર્શન દરમિયાન ધરપકડ પામેલા અન્ય પૂર્વ IPS એસ.આર.દારાપુરી સાથે મુલાકાત કરવા ગયા. તેમને રોકવામાં આવતા પ્રિયંકાએ કહ્યું કે મને સુરક્ષાના કારણોનો હવાલો આપીને રોકવામાં આવી. આ એસપીજીનો મુદ્દો નથી પરંતુ ઉત્તરપ્રદેશ પોલીસનો મુદ્દો છે.
દેશભક્તિના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ અવાજ બુલંદ રાખીશું- પ્રિયંકા
આ પહેલા પ્રિયંકાએ કોંગ્રેસના 135મા સ્થાપના દિવસે પાર્ટી મુખ્યાલયમાં કહ્યું કે સીએએ અને એનઆરસીના વિરોધમાં બીજી પાર્ટીઓ ખુલીને નથી બોલતી, તે સરકારથી ડરી રહી છે. દેશભક્તિના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે પરંતુ અમે ડરવાના નથી. એકલા પણ રહીશું તો પણ અવાજ બુલંદ કરીશું. જે દેશભરમાં એનઆરસીની ચર્ચા ફેલાવે છે, આજે કહે છે કે તેના પર કોઇ ચર્ચા થઇ નથી. આ દેશ તમને ઓળખી રહ્યો છે, તમારી કાયરતાને ઓળખી રહ્યો છે અને તમારા જુઠ્ઠાણાથી કંટાળી ગયો છે.
હિંસામાં મોતને ભેટેલા અથવા ધરપકડ થયેલા પ્રદર્શનકારીઓને પ્રિયંકા મળી રહી છે
પ્રિયંકા અત્યારે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે જ્યાં તે હિંસામાં ધરપકડ પામેલ અથવા માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને મળી રહી છે. છેલ્લા રવિવારે તેમણે બિજનૌરમાં એક પ્રદર્શનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીના પરિવારો સાથે મુલાકાત કરી. તે અચાન બિજનૌરના નહટૌર પહોંચ્યાં અને અનસ અને સુલેમાનના ઘરે જઇને પરિવારના લોકો સાથે વાત કરીને સાંત્વના આપી. બન્ને યુવક અચાનક ભડકેલી હિંસા દરમિયાન ગોળીના શિકાર થયા હતા. તેમણે બાદમાં કહ્યું કે મૃતક યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ FIR દાખલ કરાવવા માગતા હતા પરંતુ પોલીસે તેમના પર જ FIR કરવાની ધમકી આપી છે. બિજનૌરમાં હિંસાની ન્યાયિક તપાસ થવી જોઇએ.

