કોરોના હોસ્પિટલના તબીબો અને નર્સો સહિતનો સ્ટાફ સિવિલ કેમ્પસમાં જ રહેશે

ગુજરાત મુખ્ય સમાચાર

કોરોનાના કેસો અટકવાનું નામ જ નથી લઇ રહ્યાં ત્યારે સિવિલ (કોરોના) હોસ્પિટલમાં ફરજ બજાવતા 27 વર્ષના મેઇલ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી હતી. આ સ્થિતિમાં હવે સિવિલ (કોરોના) હોસ્પિટલના તમામ તબીબો-નર્સો સહિતના કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા સિવિલ કેમ્પસમાં જ જુદી જુદી જગ્યાએ ગોઠવવામાં આવી છે. ઉપરાંત, તમામના જમવાની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ તંત્ર જ ગોઠવશે.

સિવિલ હોસ્પિટલમાં મેઇલ નર્સ તરીકે ફરજ બજાવતા આદીલ (રહે.જમાલપુર)નો  કોરોનાનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. તેથી સિવિલનો તમામ સ્ટાફ ભેગો થયો હતો અને તંત્રને એવી રજૂઆત કરી હતી કે, હવે આ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તમામને રહેવાની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં જ કરી આપવી જોઇએ. જેથી મોડી સાંજે સિવિલ તંત્રે મેલ નર્સ, મેલ તબીબને ડેન્ટલ કોલેજ હોસ્ટેલમાં, ફીમેલ તબીબ-નર્સને નર્સિંગ હોસ્ટેલ અને તમામ વર્ગ 4 કર્મચારીઓને પેરાપ્લેજીયા હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે. 

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જી.એચ. રાઠોડે જણાવ્યું હતું કે, હાલ તમામની રહેવાની વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. તમામની જમવાની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવશે. આ સ્થિતિ રહેશે ત્યાં સુધી આ રીતની જ વ્યવસ્થા રહેશે. નોંધનીય છે કે, ગઇકાલે એક તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મેલ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી ત્રણ દિવસમાં મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા ચાર લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

SVPના દર્દીને દાખલ કરવામાં આનાકાની નથી કરાઇઃ ડો. રાઠોડ
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની હોસ્પિટલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે SVPમાં કોરોના માટેનો વોર્ડ ફુલ થઇ જતા દર્દીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સિવિલ તંત્રએ દર્દીને દાખલ કરવાનો ઇનકાર કર્યો હોવાના મેસેજ ફરતા થયા હતા. જોકે, આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જી.એચ. રાઠોડે જણાવ્યું હતું કે, અમે કોઇ દર્દીને દાખલ કરવાનો ઇનકાર કર્યો નથી. અહીંયા જે પણ દર્દી આવે તેની સારવાર કરવામાં આવે છે અને અમારો સ્ટાફ ખડેપગે હાજર રહી દર્દી પર પૂરતું ધ્યાન આપે છે.