પટિયાલા શાકમાર્કટમાં રવિવારે સવારે નિહંગો દ્વારા (શીખ ધર્મના બ્લુ રંગના કપડા પહેરેલા હથિયારધારીઓ) એક પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પર હુમલો કરી તેનો હાથ કાપી નાંખવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. લોકડાઉનના પાલન માટે પોલીસ ફરજ બજાવી રહી હતી અને આ નિહંગો પાસે કર્ફ્યૂ પાસ માંગવામાં આવતા પોલીસ પર હુમલો કરાયો હતો જેમાં એક એએસાઈનું કાંડુ કાપી નાંખવામાં આવ્યું હતું તેમજ અન્ય બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. હુમલાખોરો ગુરુદ્વારા ખિચડી સાહિબમાં છૂપાઈ ગયા હતા અને અંદરથી ગોળીબાર પણ કરાયો હતો. કમાંડોની ટીમે ગુરુદ્વારાની અંદરથી સાત આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
સીનિયર એસપી મનદીપ સિંહ સીધૂએ આપેલી માહિતી મુજબ ગાડીમાં પાંચ નિહંગ શાકમાર્કેટ આવ્યા હતા. માર્કેટના સ્ટાફે તેમની ગાડીને રોકીને કર્ફ્યૂ પાસ બતાવવા જણાવ્યું હતું. માર્કેટમાં લોકોના ટોળા એકત્ર ના થાય તે હેતુથી પાસ માંગવામાં આવ્યો હતો પરંતુ હુમલાખોરો પાસે પાસ ના હોવાથી શાક માર્કેટના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો અને તેમણે ગાડી આગળ દોડાવી બેરિકેડ તોડવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની ગાડીને ઘેરી લીધી હતી.
નિહંગો દ્વારા તલવાર સહિતના હથિયાર વડે પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એએસઆઈનું કાંડુ કાપી નાંખ્યું હતું. એએસઆઈની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. આ ઉપરાંત વધુ બે પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા એએસઆઈને પહેલા રાજીન્દર હોસ્પિટલ અને ત્યારબાદ પીજીઆઈએમઈઆર હોસ્પિટલ ચંદીગઢ રીફર કરાયા હતા.
હુમલાખોરો બાદમાં ત્યાંથી ભાગી ગયા હતા અને ગુરુદ્વારામાં છૂપાયા હતા. પટિયાલા ઝોન આઈજી જતિંદર સિંહ પણ ગુરુદ્વારા પહોંચ્યા હતા ત્યાં તેમણે હુમલાખોરોને સરેન્ડર થવા ચેતવણી આપી હતી જો કે ગુરુદ્વારાની અંદરથી તેઓ ધમકીઓ આપી રહ્યા હતા. બાદમાં પોલીસે સાત આરોપીઓને અંદરથી ઝડપી પાડ્યા હતા.
આ ઘટના અંગે પટિયાલા નિહંગ સમુદાયના પ્રમુખે જણાવ્યું કે આ હુમલાખોરોનો પહેરવેશ નિહંગ જેવો અવશ્ય હતો પરંતુ તેઓ ગુંડાઓ છે, અમારો સમુદાય આવો નથી. લોકો અને લાચાર વ્યક્તિઓની સેવા માટે આ સંપ્રદાય છે. પોલીસ પર હુમલો કરનારા ગુંડાઓ છે.

