દેશમાં બે મોટા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માગતી હતી પરંતુ તત્કાલિન સરકારે મંજૂરી ન આપી. પૂર્વ વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ શનિવારે આ દાવો કર્યો હતો. ધનોઆ 31 ડિસેમ્બર, 2016થી 30 સપ્ટેમ્બર 2019 સુધી એરફોર્સ ચીફ રહ્યા હતા. તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે વાયુસેના પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં આતંકી કેમ્પ તબાહ કરવા માટે તૈયાર હતી પરંતુ રાજકીય નેતૃત્વએ મંજૂરી આપી નહીં. તેમણે એ પણ કહ્યું કે પુલવામા હુમલા બાદ કેન્દ્રની મંજૂરી બાદ જ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.
એરચીફ માર્શલ ધનોઆએ એક સવાલના જવાબમાં કહ્યું- 2001માં સંસદ પર હુમલો થયો. 2008માં મુંબઈને નિશાન બનાવવામાં આવી. તેને 26/11નો હુમલો કહેવામાં આવે છે. 2001માં જમ્મૂ-કાશ્મીર વિધાનસભા પર હુમલો થયો. આ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં મોજૂદ આતંકી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાની યોજના બનાવી હતી. બે વખત આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ રાખવામાં આવ્યો. બન્ને વખત મંજૂરી મળી ન શકી. 2001માં એનડીએ સરકારમાં અટલ બિહારી વાજપેયી જ્યારે 2008માં યૂપીએ સરકારમાં મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા.
આપણે પાકિસ્તાનથી ઘણા આગળ હતા
ધનોઆ પ્રમાણે, મુંબઈ હુમલા બાદ તત્કાલીન એરફોર્સ પ્રમુખ પીઓકેમાં હુમલા માટે તૈયાર હતા. ટેક્નિકલ રીતે આપણે દુશ્મનથી ઘણા આગળ હતા. એરફોર્સ હુમલા માટે હંમેશા તૈયાર રહે છે. આપણી પાસે તેની ભરપૂર ક્ષમતા પણ છે. પરંતુ અંતિમ નિર્ણય તો સરકારને જ લેવાનો હોય છે. પુલવામાં આપણા સૈનિકો પર આતંકવાદી હુમલો થયો. ત્યારબા અમે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી. આ એટલા માટે સંભવ થયું કારણ કે સરકારે તેની પરવાનગી આપી. પુલવામામાં 44 જવાનોની શહાદત બાદ એફોર્સે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઘણા ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી.

