રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તૈયાર થયેલી સુપર સ્પેશિયાલિટી બ્લોક હોસ્પિટલના લોકાર્પણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ૧પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલનું શનિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનિષ મહેતાએ વિગત આપતાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગના લોકાર્પણ બાદ અહીંથી અમદાવાદ અથવા તો ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવતાં દર્દીઓનો રેટ ઘટાડવાનો અમારો મુખ્ય ધ્યેય છે. ૬ માળની ર3૮ બેડની હોસ્પિટલમાં યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, પીડિયાટ્રીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી જેવા વિભાગો કાર્યરત થશે. આ હોસ્પિટલમાં ૮ વર્લ્ડ કલાસ મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ આવેલા છે. આ હોસ્પિટલને લીધે રપ૦ સ્ટાફનો વધારો થશે જેના ઓર્ડર પણ થઇ ચૂક્યા છે.

