હાઈ વોલ્ટેજ મેચ : ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતે આજે અફઘાનિસ્તાનને ભારે રોમાંચકતા બાદ આખરી ઓવરના પાંચમા બોલે ૧૧ રનથી વર્લ્ડકપની મેચમાં પરાજય આપ્યો હતો. ૨૨૫ રનનો ટાર્ગેટ ઝીલવા ઉતરેલ અફઘાનિસ્તાન છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૃર હતી અને તેઓની ત્રણ વિકેટ બાકી હતી ત્યારે શમીએ ત્રીજા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લઈને અફઘાનિસ્તાનને ૨૧૩ રનમાં ઓલઆઉટ કર્યું હતું.

ભયજનક નબીને (૫૨ રન, ૫૫ બોલ) શમીએ ૪૯.૩ બોલે બાઉન્ડ્રી પર છગ્ગો મારવા જતા પંડયાના હાથે ઝીલાવ્યો, ચોથા બોલે આલમને અને પાંચમા બોલે રહેમાનને બોલ્ડ કર્યા હતા.

બુમરાહે ત્રણ બોલના ગાળામાં જામી ગયેલા રહેમત શાહ (૩૬) અને શાહીદીને (૨૧) આઉટ કરવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ભારત જો કે અફઘાનિસ્તાન સામે મેચ રમવા ઉતર્યું ત્યારે ચાહકો અને વિવિચકોએ એવું જ માન્યું હશે કે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હોઇ આ ટુર્નામેન્ટની સૌથી નબળી પુરવાર થયેલી અફઘાનિસ્તાન સામે ઇંગ્લન્ડની જેમ ૩૮૦ થી ૪૦૦ રનનો સ્કોર ખડો કરશે પણ સાઉધમ્પટનની આ પીચ કદાચ આ વર્લ્ડ કપની તમામ મેચોમાંની સ્લો ટ્રેક હતી જેના પર બોલ પીચ પડીને અટકીને આવતા હતા.

ભારતની બેટિંગ પણ થોડી બેજવાબદારી ભરેલી અને તેમના અનુભવી ખેલાડીઓ તેમજ પાકિસ્તાન સહિતના ત્રણ વિજયો છતાં દ્વિધાભરી હતી અને કોહલીના ૬૭ તેમજ જાધવની અડધી સદીને બાદ કરતા બધા બેટસમેનો નિસ્તેજ જણાતા ભારતે ૫૦ ઓવરોમાં ૮ વિકેટે ૨૨૪ રન કર્યા હતા.

સામાન્ય રીતે બેટ્સમેનો ભારતને જીતાડે છે પણ આજે બોલરોએ આ કામનો ૨૨૫નો સ્કોર ડિફેન્ડ કરી સંભાળ્યું હતું. જો કે અફઘાનિસ્તાન પણ પ્રશંસનિય લડાયક મૂડમાં હતુ.

તેઓ લગભગ પ્રતિ ઓવર છ થી આઠ રન સુધી એવરેજ બાકી રહે તે રીતે રમતા હતા પણ બુમરાહે ત્રીજી વિકેટની ૪૨ રનની ભાગીદારી તોડતા ભયજનક રહેમત શાહને (૩૬) તેમજ તે જ ઓવરમાં એક બોલ છોડીને શાહીદીને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. આમ ૪ વિકેટે ૧૧૮નો સ્કોર થતા અફઘાનિસ્તાન બેકફૂટ પર આવી ગયુ હતુ.

નબીએ અસાધારણ લડત આપી ભારત પાસેથી લગભગ તખ્તો આંચક્યો હતો પણ ૪૮મી અને ૪૯મી ઓળર ચુસ્ત જતા ૫૦મી ઓવરમાં ૧૬ રનનું દબાણ આવ્યું હતું. અને શમીએ હેટ્રીક લીધી હતી.