શુક્રવારે સાંજે દિલ્હીના એનસીઆરમાં ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબ-હરિયાણા અને કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પર્વતમાળા નોંધવામાં આવી છે. જોકે હાલ કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. ધરતીના પેટાળમાં 190 કિમી અંદરથી આ ઝટકા શરૂ થયા હતા. 15-10 સેકન્ડ આ ઝટકાનો અનુભવ થયો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે શુક્રવારે સાંજે અંદાજે 5.10 મિનિટે આવેલા ભૂકંપના ઝટકાનું કેન્દ્ર કાબુલથી અંદાજે 245 કિમી દૂર હતું. તેથી ભારતમાં તેની અસર નહિવત્ જોવા મળી છે. જોકે ભૂકંપના ઝટકાના કારણે એનસીઆર વિસ્તારમાં લોકો તેમની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પુંછ અને શ્રીનગરમાં પણ ભૂકંપના હેવી ઝટકા અનુભવાયા હતા. પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ તેની અસર જોવા મળી હતી.

