સોનાની ચમકમાં સતત થઈ રહ્યો છે વધારો, અત્યારે ખરીદશો તો થઈ શકે છે ફાયદો

મુખ્ય સમાચાર

ઇકોનોમિક સ્લોડાઉન (Slowdown)ની આશંકા વચ્ચે આ મહિને સોનાની ચમક થોડી વધારે વધી છે. કારણ કે રોકાણકારો માટે આ પસંદગી અને સુરક્ષિત વિકલ્પ છે. બુલિયનમાં સતત તેજી રહેતા આ મહિનામાં સોનું પેલેડિયમને પછાળી સૌથી મોંઘી ધાતું બની ગયું છે.

જ્યારે તહેવારી સીઝનમાં હવે સોનાના ભાવ દેશમાં પ્રતિ 10 ગ્રામ 40,000 રૂપિયા સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું ફરી એકવાર 1,530 ડોલર પ્રતિ ઓંસને પાર પહોંચ્યું છે. જે સૌથી મોંઘી ગણાતી પેલેડિયમ ધાતુના ભાવ 1,412.50 ડોલર પ્રતિ ઓંસથી પણ વધારે છે.

બજાર વિશ્લેષકો મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે અને બજારની અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈ રોકાણકારો હવે પીળી ધાતુંમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ સિવાય સોના-ચાંદીમાં રોકાણને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.