વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી છઠ્ઠી વખત તિરંગો લહેરાવ્યો છે. એનડીએ સરકારની સિદ્ધિઓનું વર્ણન વડાપ્રધાને પોતાના સંબોધનમાં કર્યું છે. દેશને આગળ લઈ જવા માટે દેશમાં આમૂલ પરિવર્તનની જરૂર હોવાનું પીએમે લાલ કિલ્લા પરથી જણાવ્યું હતું. આ ઉપરાંત દેશના લશ્કરની ત્રણેય પાંખના સાહસે બિરદાવતા વડાપ્રધાને એક મહત્વની જાહેરાત કરી છે.
વડાપ્રધાને જણાવ્યું કે ટૂંક સમયમાં દેશના લશ્કરને અસરકારક બનાવવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તી કરવામાં આવશે. દેશના લશ્કરની ત્રણ પાંખ ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાને વધુ અસરકારક બનાવવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સ્થાપવામાં આવશે અને યોગ્ય પ્રક્રિયાથી આ પદ પર નિયુક્તી કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા લશ્કરની ત્રણેય પાંખ વચ્ચેનું સંકલન વધુ અસરકારક બનાવવામાં આવશે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં વિવિધ મુદ્દાએને ટાંક્યા હતા જેમાં ટ્રિપલ તલાક કાયદો, કલમ 370ની નાબૂદી, ગરીબી, વસતિ વિસ્ફોટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, અર્થતંત્રમાં વિકાસ તેમજ વિજ્ઞાનન સમાવેશ થાય છે.