નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે વડોદરાના હાથીખાના વિસ્તારમાં જુમ્માની નમાઝ અદા કર્યાં બાદ બહાર નીકળેલા લોકોએ પોલીસની વીડિયોગ્રાફીનો વિરોધ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પથ્થરમારાના જવાબમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને 30 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો હતો. હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફતેપુરા વિસ્તારમાં તોફાનીઓએ સિટી બસમાં તોડફોડ કરી હતી. અને પાંજરીગર મહોલ્લામાં તોફાનીઓની અટકાયત કરવા માટે ગયેલી પોલીસ સામે મહિલાઓએ સૂત્રોચ્ચારો કર્યાં હતા અને મોદી હાય હાયના નારા લગાવ્યા હતા અને પકડેલા તોફાનીઓને છોડી દેવાની માંગ કરી હતી.
પોલીસે ટોળાને વિખેરવા ફાયરિંગ કર્યું
વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીએ સમર્થન આપ્યું છે. કેસરીસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, પોલીસે ટોળાને વિખેરવા અને સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.
2થી3 છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યોઃCP
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, મસ્જિદમાંથી લોકો બહાર નીકળ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમ વિસ્તારની વીડિયોગ્રાફી કરી હતી, પરતુ મસ્જિદમાંથી બહાર નીકળતા લોકોની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી ન હતી. તેમ છતાં કેટલાક લોકોએ વીડિયોગ્રાફી કરતા હોવાનું કહીને સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે 2થી3 છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. અને પછી પથ્થરમારો વધી ગયો હતો. જેથી પોલીસે જવાબમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસે 3 જેટલા તોફાનીઓની અટકાયત કરી છે.
ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો
અમદાવાદમાં હિંસા બાદ વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેથી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે 30 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. અને તોફાનીઓની અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સહિતના વાહનોની તોડફોડ કરાઇ
પટેલ ફળીયા આવેલી મસ્જિદમાંથી જુમ્માની નમાઝ બાદ બહાર નીકળેલા લોકોની પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. જેથી લોકોએ વીડિયોગ્રાફીનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કોમ્બિંગની કામગીરી દરમિયાન સ્થાનિક મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
એચ ડિવીઝનના એ.સી.પી. ભરત રાઠોડને પથ્થરમારામાં ઇજા
હાથીખાના અને ફતેપુરામાં થયેલા એચ ડિવીઝનના એ.સી.પી. ભરત રાઠોડ અને પી.આઇ. એન.બી. જાડેજા પણ પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા છે.
માંડવી વિસ્તારમાં દુકાનો બંધ થઇ ગઇ
પથ્થરમારાની ઘટના બાદ વડોદરા શહેરમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો છે. જેને પગલે માંડવી રોડ પરની દુકાનો બંધ થઇ ગઇ હતી. અને પાણીગેટ વિસ્તારમાં પણ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.