શાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું. આ મામલે આરોપીઓએ 18 ડિસેમ્બરેની રાત્રે ધાર્મિક સ્થળ પર મીટિંગ ગોઠવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે, MS નામનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી લોકોને એડ કરવામાં આવ્યા છે. હિંસક પ્રવૃતિ મામલે અલગ અલગ વિસ્તારમાંથી લોકોને ભેગા કરવા આ જ ગ્રુપનો સહારો લેવામાં આવ્યો છે. આ હિંસક પથ્થર મામલામાં સ્થાનિક લોકો કરતા ચંડોળા વિસ્તારના બાંગ્લાદેશીઓની ભીડ ભેગી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં પથ્થર લાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જ્યારે પોલીસે લોકોને ડિટેઇન કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વોટ્સએપના માધ્યમથી આ માહિતી ફેલાવવામાં આવી હતી. તેટલું જ નહીં, આ તોફાની લોકોએ સીસીટીવીના ડીવીઆરમાં પણ છેડછાડ કરી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓના ડેટા રિકવર કર્યાં છે.
અનેક મુદ્દે તપાસ કરવામાં આવશે
મહત્વનું છે કે, રિમાન્ડ પર મોકલાયેલા આરોપીઓના મોબાઈલ ફોનના ડેટાની ચકાસણી કરી તમામ ડેટા કાઢવામાં આવશે. આરોપી સાથે કોણ કોણ સંપર્કમાં હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. રામોલ, વટવા, ગોમતીપુર, વેજલપુરના અલગ અલગ વિસ્તારમાંથી આરોપીઓ એ દેહશત ફેલાવવા લોકોને બોલાવી હિંસક તોફાન કર્યું હતું તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. આ સિવાય પથ્થરમારા સમયે આટલા બધાં પથ્થરો ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેને કોણે અરેન્જ કર્યા હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. આ સાથે આરોપી શહેઝાદ ખાન સાથે કોણ કોણ સામેલ છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ તોફાન પહેલા આરોપીઓએ સોશિયલ મીડિયાના માધ્યમ વોટ્સઅપ દ્વારા આ મામલે કોઇ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
રિમાન્ડ પર મોકલાયેલા આરોપીઓ
1. શહેજાદ ખાન પઠાણ
2. ઝહીર યાસીન સૈયદ
3. આરીફ અરબ
4. ફારૂક હુસેન શેખ
5. નેહાલુદિન શેખ
6. નવાબ શાહ રસુલ શાહ
7. અનવર બેગ મીરજા
8. મોહમંદ ઇરમાન મકરાણી
9. મોહમંદ રસીલ શેખ
10. સદામ હુસેન શેખ
11. જુબેર મેમણ
12. સરફરાઝ શેખ
13. નશૂર શેખ
તોફાનગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ
આજે પણ પોલીસ તોફાનગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ પોલીસ વડાએ વધુ બે SRP કંપની ફાળવી દીધી છે. પોલીસ જવાનો હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત છે. ગુરૂવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે 5 હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પી.આઈ.જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. ઉલ્લેખનીય છે કે શાહ આલમ પથ્થરમારામાં શહેરના ડીસીપી, એસીપી સહિત 19 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતા.
શાહ આલમમાં અજંપાભરી શાંતિ
પોલીસે 50 જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શાહઆલમ વિસ્તારમાં હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે. પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ઇસનપુર પોલીસે ટોળા સામે IPC 307, 337, 333,143,145,147,151,152,153,188,120 બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટી કલમ 3 અને 7 તથા જીપી એકટ 135(1) એટલે કે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

