નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે દિલ્હી અને ઉતર પ્રદેશના આગ્રામાં દેખાવો થયા હતા. ઉતર પ્રદેશમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત થયા છે. બિજનોરમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ફિરોઝાબાદ, સંભલ અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. લખનઉમાં ગુરુવારે ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું. અહીં ઘણાં જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સળગાવવામાં આવી હતી. પથ્થરમારા દરમિયાન કુલ 50 લોકો ઘાયલ થયા છે. દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન શાંતિ રહી હતી. જોકે સાંજના સમયે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જાફરાબાદમાં લોકોએ પોલીસને ગુલાબના ફુલ આપ્યા અને ચા પણ પીવડાવી. કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી ઈન્ડિયા ગેટ પર દેખાવકારોને મળવા પહોંચ્યા હતા.
લખનઉમાં ગુરુવારે હિંસક પ્રદર્શન થયા હતા. જોકે શુક્રવારે અહીં શાંતિ રહી હતી. દિલ્હીની જામા મસ્જિદની બહાર લોકોએ પ્રદર્શન કર્યા હતા. અહીં ભીમ આર્મીએ માર્ચ પણ શરૂ કરી છે જે જંતર-મંતર સુધી જશે. પોલીસે ભીમ આર્મીને માર્ચની મંજૂરી આપી નહતી. પૂર્વોત્તર દિલ્હીમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.
હિંસક પ્રદર્શન પછી શુક્રવારે રાજ્યની સ્થિતિ
ઉત્તર પ્રદેશ
- શુક્રવારે ગોરખપુર, કાનપુર, ઉન્નાવ, બુલંદ શહર, હાથરસ, મુઝફ્ફરનગર, સીતાપુર, બિજનૌર, મુરાદાબાદ, ફિરોઝાબાદ, ભગોહી અને બહચરાઈમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ છોડ્યા હતા.
- રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતા અહીં લખનઉ અને સંભલમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોલીસે લખનઉમાં 7 કેસ નોંધ્યા છે અને 200 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. ફાયરિંગમાં મૃત્યુ પામેલા એક યુવકની પોસ્ટમોર્ટમ વીડિયોગ્રાફી કરવામાં આવી છે.
- સંભલ જિલ્લામાં હિંસા અને આગ ચાંપવાના કેસમાં સપા સાંસદ શફીકુર્રહમાન બર્ક સહિત 17 કેસ દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3305 લોકોની અટકાયત કરવામાં આવી છે. લખનઉ સહિત 20 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ ઠપ છે. જુમ્માની નમાઝના કારણે પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા રાખી છે.
દિલ્હી
- જુમ્માની નમાઝ પછી બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ છે. પોલીસે ડ્રોનથી નજર રાખી રહી છે અને લોકોને શાંતિની અપીલ કરવામાં આવી છે.
- પૂર્વોત્તર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે અહીં શુક્રવારે 14માંથી 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને ફ્લેગ માર્ચ પણ શરૂ કરી છે. સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સની 10 કંપનીઓ પૂર્વોત્તરમાં તહેનાત કરવામાં આવી છે. 5 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
કર્ણાટક
મેંગલોર અને દક્ષિણ કન્નડ જિલ્લામાં 21 ડિસેમ્બરે રાતે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રાખવામાં આવશે. બેંગલુરુમાં સ્કૂલ કોલેજ બંધ રાખવામાં આવી છે. મેંગલોરમાં બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં કલમ 144 હવે 22 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. મેંગલોરમાં પ્રદર્શનકારીઓએ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં આગ લગાડી હતી. પથ્થરમારામાં 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે. બેંગલુરુમાં પ્રદર્શન અને હિંસાના મામલે 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બિહાર
આરજેડીએ નાગરિકતા કાયદા વિરુદ્ધ શનિવારે રાજ્યમાં બંધ રાખ્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, આ કાયદો ગેરબંધારણીય અને માનવતા વિરોધી છે. આનાથી ભાજપનું ચરિત્ર દુનિયાની સામે આવી ગયું છે. ગુરુવારે બંધ દરમિયાન રાજ્યના ઘણાં જિલ્લામાં માકપાના કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક અને હાઈવે જામ કરી દીધા હતા.
આસામ
દરેક જિલ્લામાં શુક્રવારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અહીં વિરોધ પ્રદર્શન અને હિંસાના કારણે 11 ડિસેમ્બરથી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
તમિલનાડુ
ચેન્નાઈમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરનાર 600 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં અભિનેતા સિદ્ધાર્થ અને સંગીતકાર ટીએમ કૃષ્ણા પણ સામેલ છે.
કેરળ
ઉત્તર કેરળ હાઈ એલર્ટ પર છે. અહીંના વાયનાડ, કોઝિરોડ, કાસરગોડ અને કન્નૂર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ
રાજ્યમાં શુક્રવારે સ્થિતિ સામાન્ય રહી હતી. મુખ્યમંત્રી મમતા બેનરજી આજે કોલકાતાના અલ્પસંખ્યક બાહુલ્ય પાર્ક સર્કસ વિસ્તારમાં ધરણાં કરવાના છે.
નિયમ તોડવાના કારણે 1200 લોકોની ધરપકડ કરાઈ
ગુરુવારે એક સાથે લાલ કિલ્લા, મંડી હાઉસ અને મંચર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લાલ કિલ્લા અને મંડી હાઉસમાં મંજૂરી ન હોવા છતા ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અહીં આવનાર પ્રદર્શનકારીઓની અટકાયત કરીને બવાના, નાંગલોઈ અને કેશવપુરમમાં બનાવવામાં આવેલી અસ્થાઈ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં પોલીસ, આરએએફ અને સીઆરપીએફની 52 કંપનીઓના 6 હજારથી વધારે જવાન તહેનાત છે. સ્થિતિને સંભાળવા માટે પોલીસે નવી દિલ્હી, જૂની દિલ્હી, જામિયા નગરના રસ્તા બંધ કરી દીધા હતા. પોલીસે સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ, સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ, વિદ્યાર્થી ઉમર ખાલીદ અને કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત સહિત 1200 લોકોની ધરપકડ કરી હતી.
નાગરિકતા કાયદો અને તેના વિરોધમાં મુખ્યમંત્રીઓના નિવેદન
- આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે શુક્રવારે કહ્યું કે, આસામની જનતાને વિશ્વાસ અપાવું છું કે, ભાષા અને સંસ્કૃતિના આધારે કોઈના અધિકારોનું હનન ન કરવું જોઈએ. હું નવા કાયદાનો વિરોધ કરનાર લોકોને વાતચીત માટે આમંત્રણ આપુ છું.
- બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, આજે જે લોકો મુસ્લિમોને ભડકાવી રહ્યા છે, તે લોકોને જ્યારે શાસન કરવાનો મોકો મળ્યો હતો ત્યારે તેમણે શું કર્યું હતું? હું એ વાતની ગેરંટી આપુ છું કે, બિહારમાં અલ્પસંખ્યકોની ઉપેક્ષા નહીં થાય.
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, જો વડાપ્રધાનમાં હિંમત હોય તો તેઓ સંયુક્ત રાષ્ટ્રની હાજરીમાં નાગરિકતા કાયદા વિશે જનમત સંગ્રહ કરાવે.
- કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, નવા કાયદાથી કોઈ પણ ભારતીય નાગરિકોના અધિકારનું હનન નથી થતું. અફવાઓ પર ધ્યાન ન આપો.

