સૌરાષ્ટ્રમાં ચાર હત્યા અને અન્ય કેસના આરોપી જુસબ અલ્લારખાંને ઝડપનારી ગુજરાતની એટીએસની મહિલા ટીમની તસવીર વાઇરલ થઈ રહી છે. જુસબ છેલ્લા કેટલાય સમયથી પોલીસની પકડથી દૂર હતો. એટીએસની ટીમે એક સફળ અભિયાન અંતર્ગત તેને ઝડપી પાડ્યા હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે. શુક્લાના જણાવ્યા અનુસાર ‘આ એક મહિલા ટીમના વડપણ હેઠળ પાર પડાયેલું અભિયાન હતું. જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.’
આ અભિયાનમાં ચાર મહિલા પીએસઆઈ સંતોક ઓડેદરા, નીતમિકા ગોહિલ, શકુંતલા મલ તથા અરુણા ગામિતે સામેલ હતાં. ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “જુસબ જંગલમાં રહેતો હતો. મોબાઇલ કે અન્ય કોઈ ગૅજેટનો ઉપયોગ કરતો નહોતો. જંગલમાં પણ એ ઘોડી અને મોટરસાઇકલ જ વાપરતો હતો” “વળી તેના રહેઠાણનું પણ ખાસ નક્કી નહોતું રહેતું. એ ગમે ત્યાં ઊંઘી જતો અને ગમે ત્યાં ચાલ્યો જતો. એટલે એને ઝડપી લેવો એક મોટો પડકાર હતો.”
આ અભિયાનને પાર પાડનારી ટીમમાં સામેલ પીએસઆઈ સંતોક ઓડેદરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું: “જુસબને ત્રણ મહિનાથી અમે ટ્રૅસ કરી રહ્યાં હતાં અને એમાં જ અમને જાણવા મળ્યું કે તે બોટાદ જિલ્લાના જંગલમાં છુપાયો છે.” એક વખત આરોપીનું પગેરું શોધ્યા બાદ એટીએસની ટીમ અમદાવાદથી અગિયારેક વાગ્યે રવાના થઈ. લોકેશન જે જંગલમાં ટ્રૅસ થયું હતું, ત્યાં પહોંચતા સુધીમાં મળસકું થઈ ગયું હતું. જોકે, આરોપીનું ઠેકાણું અહીંથી દૂર હતું અને ત્યાં પહોંચવા માટે ટીમને બીજો એકાદ કલાક લાગવાનો હતો.
આ અંગે વાત કરતાં પીએસઆઈ નીતમિકા જણાવે છે, “જુસબ અંતરિયાળ વિસ્તારમાં રહેવા માટે કુખ્યાત હતો. એની ભાળ મેળવવી બહુ મુશ્કેલ હતી.” “જંગલમાં પણ જુસબ સુધી પહોંચવા માટે અમારે દોઢેક કલાક ચાલવું પડ્યું હતું. એમાં પણ જો જુસબને થોડો પણ અણસાર આવે તો એ હુમલો કરી દે એમ હતો.” જોકે, આખરે ટીમ જુસબ સુધી પહોંચી જ ગઈ. જુસબ એ વખતે ખાટલા પર સૂતા હતા. ટીમે સૂર્યોદય સુધી રાહ જોઈ અને જેવું જ અજવાળું થયું કે આરોપીને ઝડપી લીધા. એ વખતે લેવાયેલી તસવીર હાલમાં વાઇરલ થઈ ગઈ છે. આ અંગે વાત કરતા પીએસઆઈ શકુંતલા જણાવે છે:
“એ તસવીર તો અમે માત્ર યાદગારી માટે લીધી હતી. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે યાદગારી માટે લેવાયેલી એ તસવીર આટલી વાઇરલ થઈ જશે.” હાલમાં માત્ર ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પર આ તસવીરની ચર્ચા ચાલી રહી છે. કામની સરાહના થઈ રહી હોવાને કારણે આ મહિલાઓ ગર્વ પણ અનુભવી રહી છે. છ વર્ષથી પોલીસદળમાં સામેલ સંતોક ઓડેદરા છેલ્લાં દોઢ વર્ષથી એટીએસમાં કામ કરે છે. મહિલા માટે પોલીસની નોકરી જોખમી હોવાની માન્યતા અંગે વાત કરતાં તેઓ જણાવે છે, “હવે મને મારા કામમાં ડર નથી લાગતો. જો પોલીસ જ ડરવા લાગી તો લોકોની સુરક્ષા કોણ કરશે?”

