STની નોકરીમાં મળતીયાને ગોઠવી દેવા રમવામાં આવી આ રમત! જાણો શું થયુ?

ગુજરાત શૈક્ષણિક

એક તરફ રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના દાવા કરે છે. પરંતુ નોકરીની ભરતી દરમિયાન સરકારી અધિકારીઓ દ્વારા પોતાના અંગત વ્યકિતઓને અથવા ટેબલ નીચે વ્યવહાર કરી ખાસ વ્યકિતઓને ગોઠવી દેવામાં આવે છે. તેનું તાજુ ઉદાહરણ ગુજરાત સરકાર હસ્તક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતીમાં જોવા મળી રહ્યું છે. એસટીમાં વિવિધ હોદ્દાઓની નોકરી માટે ઉમેદવારી કરનાર યુવકોને ચોક્કસ તારીખ વીતી ગયા છતાં પણ પોતાના પ્રમાણપત્ર સાથે હાજર રહેવા પત્ર મોકવામાં આવ્યો હતો. આમ પ્રક્રિયા પુરી કર્યા પછી ઉમેદવારોને પત્ર મોકલવામાં આવ્યા હતા.

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં વિવિધ જગ્યા માટે એસટી દ્વારા જાહેરખબર આપવામાં આવી હતી. જેમાં હજારો યુવકોએ પોતાની લાયકાત પ્રમાણે અરજીઓ કરી હતી. આ જગ્યાઓ માટે જે યુવકો લાયક ઠરતા હતા તેવા યુવકોના પ્રમાણપત્રોની ચકાસણી તા 1લી મેના રોજ અમદાવાદના નરોડા પાટીયા ખાતે એસટી નિગમની ઓફિસમાં રાખવામાં આવી હતી. આમ 1લી મેના રોજ થનારી ચકસાણી માટે યુવકોને એસટી નિગમ દ્વારા યુવકોને તા. 1 મે પહેલા પત્ર દ્વારા જાણ કરવાની હતી.

પરંતુ તા 1લી મેના રોજ પોતાના મળતીયાના પ્રમાણ પત્ર ચકાસી લીધા બાદ તા. 3જી મેના રોજ એસટી નિગમ દ્વારા ઉમેદવારી માટે લાયક ઠરતા ઉમેદવારને સ્પીડ પોસ્ટ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો. જે પત્ર ઉમેદવારોને તા. 6 મેના રોજ મળ્યા હતા. જો કે પત્ર પ્રમાણે ઉમેદવારે તા. 1લી મેના રોજ નિગમ ખાતે હાજર રહેવાનું હતું. આમ પાંચ દિવસ બાદ એસટી નિગમ દ્વારા પત્ર મોકલી પોતાના લોકોની ગોઠવણી કરી લીધી હતી.