નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યા છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં સોમવારે થયેલા હિંસક પ્રદર્શનો બાદ મંગળવારે પોલીસે હિંસા ફેલાવવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા તમામ લોકો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. એકપણ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી નથી. સાઉથ દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે બે એફઆઈઆર દાખલ કરી હતી.
રવિવારે નાગરિકતા કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં કેટલાક અસામાજીક તત્વોએ 3 બસો અને કટેલીક અન્ય ગાડીઓને આગચંપી કરી હતી. એટલું જ નહીં આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ચાર ગાડીઓમાંથી એક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ હિંસામાં પોલીસના 10 અને ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓને ઈજા થઇ હતી.
પોલીસને શંકા છે કે જામિયાના આઈકાર્ડ બનાવીને કેટલાક લોકો પ્રદર્શનકારીઓમાં સામેલ થઇ ગયા હતા. જામિયાના વિદ્યાર્થીઓ કરતા નકલી આઈકાર્ડ બનાવીને આવેલા લોકોએ વધારે હિંસા ભડકાવી હતી. પોલીસ અને જામિયા પ્રશાસને પહેલા જ જણાવ્યું હતું કે, હિંસામાં કોઇપણ વિદ્યાર્થી સામેલ નહતો. બહારના લોકોએ હિંસા ફેલાવી હતી જે આગચંપી, તોડફોડ બાદ જામિયાના કેમ્પસમાં ઘૂસી ગયા હતા. તેમને પકડવા માટે પોલીસ પણ સાંજે કેમ્પસમાં ઘૂસી ગઇ હતી. પોલીસ પર મંજૂરી વગર કેમ્પ્સમાં પ્રવેશવા, વિદ્યાર્થી અને સ્ટાફ સાથે મારઝૂડ કરવા, લાઈબ્રેરીમાં તોડફોડ કરવા અને ટિયર ગેસ છોડવાના આક્ષેપ કરલામાં આવ્યા છે.

